અમેરિકાએ યુકે સહિત વિવિધ દેશો પર લાદેલા ટેરિફ બાદ દેશની આર્થિક સ્થિતી ખરાબ થઇ રહી છે ત્યારે દેશના આર્થિક વિકાસને વેગ આપવાના પ્રયાસમાં યુકે સરકારે તા. 13ના રોજ પાસ્તા, જ્યુસ, પ્લાસ્ટિક, પ્લાયવુડ, ગાર્ડનીંગ સપ્લાય અને મસાલા સહિત 89 જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓ પરનો ગ્લોબલ ટેરિફ બે વર્ષ માટે શૂન્ય કરવાની અને આયાત જકાતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ નિકાસકારો માટેની લોન સુવિધામાં વધારો કરાયો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ચાન્સેલર રિવ્સે તેમના ભારતીય સમકક્ષ નિર્મલા સીતારમણ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી, જેથી ચાલુ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર (FTA)ને વધુ ગતિ મળી શકે.

સરકારે નિર્દેશ કર્યો છે કે તે ભારત, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, સાઉથ કોરિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિતના ભાગીદારો સાથે વેપાર સોદાઓની વાટાઘાટોમાં વધુ ઝડપ કરી રહી છે. જેથી બિઝનેસીસ માટે તકો ખોલી શકાય અને નોકરીઓ અને વૃદ્ધિને વેગ આપી શકાય.’’

ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT) સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ‘’સરકારના આ પગલાથી યુકેના બિઝનેસીસને વાર્ષિક અંદાજે £17 મિલિયનની બચત થશે. જુલાઈ 2027 સુધી શૂન્ય ટેરિફનો લાભ મેળવી શકે તેવા બિઝનેસીસ માટે ખર્ચ ઘટાડવા ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી પર આયાત જકાત સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્ત અને ખુલ્લો વેપાર અર્થતંત્રનો વિકાસ કરે છે, કિંમતો ઘટાડે છે અને બિઝનેસીસને વિશ્વને માલ વેચવામાં મદદ કરે છે, તેથી જ અમે વિવિધ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડી રહ્યા છીએ. રોજેરોજ વપરાતી ચીજવસ્તુઓની કિંમતનો ઘટાડો અને બચત ગ્રાહકો સુધી પહોંચશે તેવી આશા છે. સરકાર બ્રિટનને બિઝનેસ કરવા માટે શ્રેષ્ઠ દેશ બનાવવા વધુ ઝડપથી આગળ વધી રહી છે, અને અમારી પરિવર્તન યોજનાને પૂર્ણ કરી રહી છે.”

ચાન્સેલર રેચલ રીવ્સે જણાવ્યું હતું કે “આજકાલ પરિવારો જીવનનિર્વાહના ખર્ચ વિશે ચિંતિત છે અને બિઝનેસીસ તેમના ભવિષ્ય વિશે અનિશ્ચિત છે ત્યારે અમે રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર ઓછા ટેરિફની જાહેરાત કરી છે જે બિઝનેસીસને ખીલવામાં અને ગ્રાહકોને બચત પહોંચાડવામાં મદદ કરે છે. યુકે EU સાથે મહત્વાકાંક્ષી નવા સંબંધો તેમજ ભારત સાથે વેપાર કરાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી (CBI) ના ડિરેક્ટર સીન મેકગુઇરે જણાવ્યું હતું કે “આ સંજોગાં વિવિધ ઉત્પાદનો પર આયાત જકાત સ્થગિત કરવા બદલ સરકારની પ્રશંસા કરવી જોઈએ. આવા પગલાં કંપનીઓ પરના નાણાકીય દબાણને ઘટાડવા અને દેશભરના તમામ કદના બિઝનેસીસ માટે વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ રહેશે.”

ચાન્સેલર રીવ્સે સરકાર દ્વારા સમર્થિત ફાઇનાન્સિંગ ક્ષમતામાં £20 બિલિયનનો વધારો કરવાની જાહેરાત કરી હતી જેથી કંપનીઓને વૈશ્વિક વેપાર યુદ્ધનો સામનો કરવામાં મદદ મળી શકે. સરકારની ક્રેડિટ એજન્સી, યુકે એક્સપોર્ટ ફાઇનાન્સ (UKEF) દ્વારા બ્રિટિશ નિકાસકારોને ઉપલબ્ધ નાણાકીય સહાય £20 બિલિયનથી £80 બિલિયન સુધી લંબાવશે. નાના બિઝનેસીસ પણ લોન સુવિધા દ્વારા £2 મિલિયન સુધીનો લાભ મેળવી શકશે.

LEAVE A REPLY