
વડાપ્રધાન કેર સ્ટાર્મરે રવિવારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં વૈશાખી પર્વે ખાસ રિસેપ્શનનું આયોજન કર્યા પછી સોશિયલ મીડિયા પર એક વિડિઓ સંદેશ પોસ્ટ કર્યો હતો જેમાં તેમના બૈસાખી સંદેશ સાથે ઉજવણી દર્શાવવામાં આવી હતી અને સૌને શુભેચ્છા પાઠવીને યુકેમાં જીવનના તમામ ક્ષેત્રોમાં બ્રિટિશ શીખોના યોગદાનની પ્રશંસા કરી હતી.
સ્ટાર્મરે કહ્યું હતું કે “આપણા રાષ્ટ્ર અને સમાજ, સશસ્ત્ર દળો, શાળાઓ, NHS, ચેરિટીઝ અને બિઝનેસીસમાં યોગદાન આપનાર બ્રિટિશ શીખોના યોગદાનની ઉજવણી કરવા માટે ભેગા થવું અને ઉજવણી કરવી ખરેખર અદ્ભુત છે. બ્રિટનભરના ગુરુદ્વારાઓની ઉદારતા અવર્ણનીય છે. શીખ ધર્મ, કરુણા અને હિંમતના મૂલ્યો મારા માટે ખાસ મહત્વના છે. મારી લેબર સરકાર હંમેશા બ્રિટિશ શીખો સાથે ઉભી રહેશે, જે દેશના બહુ-સાંસ્કૃતિકતામાં ગૌરવનું પ્રતીક છે. આગામી દિવસોમાં, વૈશાખી પર, શીખો ખાલસાના જન્મ અને પરંપરાગત ઘઉંના પાકની ઉજવણી કરી રહ્યા છે. ઉજવણી કરતા તમામ શીખોને વૈશાખીની શુભકામનાઓ.”
લંડનના મેયર દ્વારા વૈશાખીની ઉજવણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન શનિવાર, 19 એપ્રિલના રોજ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે યોજાશે. આ વર્ષે વેસ્ટ લંડનના સાઉથોલમાં નીકળનારી વૈશાખી નગર કીર્તન શોભાયાત્રા ગયા રવિવારે ફૂડ સ્ટોલમાં આગ લાગવાને કારણે રદ કરવી પડી હતી.
