
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ દરેક દેશ પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, 2 એપ્રિલથી વૈશ્વિક શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે ત્યારે અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું છે કે ‘’યુકે સાથે વેપાર સોદો થવાની સારી તક છે. આ માટે અમે કેર સ્ટાર્મરની સરકાર સાથે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ. વધુ પારસ્પરિક સંબંધોને કારણે અન્ય યુરોપિયન દેશો કરતાં યુએસ-યુકે વેપાર સોદો કરવો સરળ રહેશે.’’
બીજી તરફ યુકે સરકારના સૂત્રોએ સૂચવ્યું છે કે વેપાર સોદા પર યુએસ સાથેની તાજેતરની વાટાઘાટો સારી પ્રગતિ કરી રહી છે. મનાય છે કે કોઈપણ સોદો ફક્ત ટેરિફ ઘટાડવા કરતાં વધુ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને માલ અને સેવાઓ બંનેમાં વેપારના તત્વોને આવરી લેશે.
વાન્સે સોમવારે અનહર્ડ વેબસાઇટ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘’નવી સિસ્ટમના કોઈપણ અમલીકરણથી નાણાકીય બજારો ચિંતાજનક બનશે અને ટ્રમ્પ ટેરિફ વ્યૂહરચના માટે લાંબા ગાળા માટે પ્રતિબદ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે વેપાર ખાધ ઓછી થાય. હું યુરોપિયન લોકોને પ્રેમ કરું છું અને તમે અમેરિકન સંસ્કૃતિને યુરોપિયન સંસ્કૃતિથી અલગ કરી શકતા નથી.”
ટ્રમ્પે ટેરિફમાં કેટલીક છૂટછાટો આપ્યા બાદ સોમવારે શેરબજારોમાં સુધારાના સંકેતો જોવા મળ્યા છે, જોકે તેઓ હજુ પણ મહિનામાં નીચે છે. અમેરિકાએ યુકે, ફ્રાન્સ અને અન્ય લાંબા સમયથી વેપાર કરતા ભાગીદાર દેશોની તમામ આયાત પર 10% “બેઝલાઇન” ટેરિફ નાંખી છે.
