આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગયા મહિને ઇંગ્લેન્ડની ટીમની નિષ્ફળતા પછી સુકાનીપદેથી જોસ બટલરે વિદાય લેતાં તેના સ્થાને યુવા બેટર હેરી બ્રુકને ઇંગ્લેન્ડની વન-ડે અને ટી-20 ટીમના સુકાની તરીકે નિયુક્ત કરાયો હતો.
ગઈ સિઝનમાં હેરી બ્રુક આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ રમ્યો હતો પરંતુ ઇંગ્લેન્ડના ક્રિકેટમાં વધુ ફોકસ કરવાના ઇરાદે આ વર્ષે બ્રુકે આઇપીએલમાંથી તેનું નામ પાછું ખેંચી લીધું હતું. તેની ઉપર લીગમાં રમવા સામે બે વર્ષનો પ્રતિબંધ પણ જાહેર કરાયો હતો.
26 વર્ષનો હેરી બ્રુક જાન્યુઆરી 2022માં ઇંગ્લેન્ડની ટીમમાં આવ્યો ત્યારથી તે ઇંગ્લેન્ડની વન-ડે અને ટી-20 ટીમનો અગત્યનો સભ્ય રહ્યો છે. છેલ્લા એક વર્ષથી તે ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવર્સની ટીમનો વાઇસ કેપ્ટન પણ રહ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બટલરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝમાં રમેલી ઇંગ્લેન્ડની ટીમની આગેવાની હેરી બ્રુકે લીધી હતી.
