અમેરિકામાં તમામ ઇમિગ્રન્ટ્સે હવે હંમેશા તેમની પાસે ઇમિગ્રન્ટ સ્ટેટસના પુરાવા રાખવા પડશે. ટ્રમ્પના ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન’ નામના એક્ઝિક્યુટિવ ઓર્ડરના ભાગરૂપે આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઓર્ડર 11 એપ્રિલથી અમલી બન્યો છે. તેનો હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાનો અને ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશનિકાલ કરવાનો છે.
એલિયન રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ (ARR) ૧૯૪૦ના એલિયન રજિસ્ટ્રેશન એક્ટ આધારિત છે. આ કાયદા હેઠળ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પરંતુ તેનો અત્યાર સુધી ભાગ્યે જ અમલ થયો છે. જોકે નવા નિયમો કાયદાના કડક અમલની જોગવાઈ છે.
૩૦ દિવસ કે તેથી વધુ સમય માટે યુએસમાં રહેતા 11 વર્ષથી વધુ ઉંમરના તમામ નોન સિટિઝને “ફોર્મ G-૩૨૫આર”નો ઉપયોગ કરીને સરકારમાં નોંધણી કરાવવી આવશ્યક છે. માતાપિતાએ તેમના ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નોંધણી કરાવવી પડશે.૧૧ એપ્રિલના રોજ કે તે પછી અમેરિકા આવનારાઓએ આગમનના ૩૦ દિવસની અંદર નોંધણી કરાવવી પડશે. પાલન કરવામાં નિષ્ફળતા રહે તો દંડ, કેદ અથવા બંને થઈ શકે છે. સરનામાં બદલતી વ્યક્તિઓએ 10 દિવસની અંદર જાણ કરવી પડશે, અને પાલન ન કરવા બદલ $5,000 સુધીના દંડની સંભાવના છે.
નવા નિયમથી ખાસ કરીને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અસર થશે. તેમના માટે રજિસ્ટ્રેશન કરવાનું અને ડોક્યુમેન્ટ સાથે રાખવાનું મુશ્કેલ બનશે.
માન્ય વિઝા (વર્ક અથવા અભ્યાસ) ધરાવે છે અથવા ગ્રીન કાર્ડ ધરાવે છે તેમને પહેલાથી જ નોંધાયેલા માનવામાં આવે છે અને તેમને ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. જોકે, તેમણે હંમેશા દસ્તાવેજો સાથે રાખવા પડશે. એચ-વનબી વીઝા ધરાવતા અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં, પરંતુ ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે.
