પ્રતિકાત્મક તસવીર (istockphoto)

હિન્દુફોબિયા વિરુદ્ધ બિલ રજૂ કરનાર જ્યોર્જિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. રિપબ્લિકન સેનેટર શોન સ્ટીલ અને ક્લિન્ટ ડિક્સન, ડેમોક્રેટિક સેનેટર જેસન એસ્ટેવ્સ અને ઇમેન્યુઅલ ડી જોન્સ સાથે મળીને આ આ બિલને સમર્થન આપ્યું હતું. સેનેટ બિલ 375માં જ્યોર્જિયાના પીનલ કોડમાં એક નવી જોગવાઈની દરખાસ્ત છે.

તેમાં હિન્દુફોબિયાની વ્યાખ્યા કરતાં જણાયુ છે કે હિન્દુ ધર્મ પ્રત્યે વિરોધી, વિનાશક અને અપમાનજનક વલણ અને વર્તણૂકોને હિન્દુફોબિયા માનવામાં આવશે. રાજ્ય અને સ્થાનિક અમલીકરણ એજન્સીઓને હાલના ભેદભાવ વિરોધી કાયદાઓના અમલીકરણમાં હિન્દુફોબિયાને ધ્યાનમાં લેવો પડશે.

કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ ​​નોર્થ અમેરિકા (CoHNA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યોર્જિયા આ પ્રકારનું બિલ રજૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે અને જો પસાર થશે તો ફરી એકવાર ઇતિહાસ રચાશે. આ મહત્વપૂર્ણ બિલ પર સેનેટર શોન સ્ટીલ સાથે નજીકથી કામ કરવાનો અમને ગર્વ છે. જ્યોર્જિયા અને સમગ્ર અમેરિકામાં હિન્દુ સમુદાયની જરૂરિયાતોને ટેકો આપવા બદલ સેનેટર ઇમેન્યુઅલ જોન્સ, સેનેટર જેસન એસ્ટેવ્સ અને સેનેટર ક્લિન્ટ ડિક્સનનો આભાર માનીએ છીએ.

અગાઉ એપ્રિલ 2023માં જ્યોર્જિયાએ હિન્દુફોબિયા અને હિન્દુ વિરોધી કટ્ટરતાને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં હિન્દુ ધર્મને વિશ્વના સૌથી જૂના ધર્મોમાંના એક તરીકે પણ સ્વીકાર કરાયો હતો.

હિન્દુઓ ઓફ જ્યોર્જિયા પીએસીના સ્થાપક રાજીવ મેનને જણાવ્યું હતું કે સેનેટર સ્ટિલ હંમેશા હિન્દુ સમુદાયના કટ્ટર સમર્થક રહ્યા છે. હિન્દુફોબિયા સામે લડવાની તેમની પ્રતિબદ્ધતા અમેરિકાના તમામ હિન્દુઓ માટે આશા અને પરિવર્તનનું કિરણ રહી છે. ન્યાય અને સમાનતા માટેના તેમના અવિરત પ્રયાસ માટે અમે તેમના ખૂબ આભારી છીએ.
૨૦૨૩-૨૦૨૪ના પ્યુ રિસર્ચ સેન્ટર રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડી મુજબ, અમેરિકામાં આશરે ૨.૫ મિલિયન હિન્દુઓ છે, જે દેશની કુલ વસ્તીના લગભગ ૦.૯ ટકા છે – જેમાંથી ૪૦,૦૦૦થી વધુ લોકો જ્યોર્જિયામાં રહે છે.

 

LEAVE A REPLY