વિધાનસભાએ પસાર કરેલા બિલોને રાજ્યપાલ લટકાવી રાખતા હોવાની તમિલનાડુ સરકારની અરજીની અંગે ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં પસાર થયા પછી જો બિલોને પેન્ડિંગ રાખવામાં આવે તો તે લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધમાં છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પાસે અનિયંત્રિત સત્તાઓ નથી અને બંનેમાંથી કોઈને પણ વિધાનસભાએ પસાર કરેલા કોઈપણ બિલ પર અબાધિત વીટોનો ઉપયોગ કરવાની સત્તા નથી. બંધારણીય પદાધિકારીઓએ સમયમર્યાદામાં નિર્ણયો લેવા પડશે અને તેની કાયદેસરતાને કોર્ટમાં પણ પડકારી શકાય છે.
રાજ્યોના બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા અંગે બંધારણીય અસ્પષ્ટતાને દૂર કરતા ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે બંને સત્તાવાળાઓએ તર્કસંગત આદેશ પસાર કરવો પડશે અને બિલોને અનિશ્ચિત સમય સુધી લટકાવી શકે નહીં. રાજ્યપાલોએ રાજ્યના બિલો અંગે એક મહિનામાં નિર્ણય કરવાનો રહેશે. જો બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હોય અથવા વિધાનસભામાં પુનર્વિચારણા માટે મોકલવામાં આવ્યું હોય તો બિલ અંગે ત્રણ મહિનામાં નિર્ણય કરવાનો છે તેવી સમયમર્યાદા નિર્ધારિત કરીને સર્વોચ્ચ અદાલતે કેન્દ્રના 2016ના ઓફિસ મેમોરેન્ડમાં સ્વીકાર કર્યો હતો. આ મેમોરેન્ડમમાં રાષ્ટ્રપતિ માટે નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરાયેલી છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંને બંધારણીય હોદ્દા પર છે. બંનેએ બંધારણ મુજબ પગલાં લેવા પડે છે અને તેઓ સંપૂર્ણ વીટોની વિચારણા કરી શકતા નથી. તેઓ બિલો અંગે કારણો રજૂ કર્યા વગર તેની મંજૂરી અટકાવી શકે નહીં. તેનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બિલોની સંમતિ અટકાવી રાખે તો તે બંધારણીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાં અસ્વીકાર્ય છે.
કલમ 200 (રાજ્યપાલને લગતી) અને કલમ 201 (રાષ્ટ્રપતિને લગતી)ની છણાવટ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંને સંમતિ રોકવા માટે લેખિતમાં કારણો આપવા માટે બંધાયેલા છે. જો વિધાનસભા પુનર્વિચારણા પછી બિલ ફરીથી મોકલે તો રાજ્યપાલ સંમતિ આપવા માટે બંધાયેલા છે, પરંતુ તે રાષ્ટ્રપતિ માટે લાગુ પડતું નથી. રાજ્યપાલ પાસે કોઈપણ બિલ પર ‘સંપૂર્ણ વીટો’નો ઉપયોગ કરવાની સત્તા નથી અને કલમ 201 હેઠળ આ જ બાબત રાષ્ટ્રપતિને લાગુ પડે છે. રાષ્ટ્પતિ તેમાં અપવાદ નથી.
