ભારતમાં હિન્દુઓ માટે ખૂબ જ જાણીતી અને પવિત્ર માનવામાં આવતી ચારધામ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા માટે ભારત સહિત વિશ્વભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકામાંથી સૌથી વધુ 3,266 શ્રદ્ધાળુઓએ આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે નેપાળમાંથી 1,805 અને મલેશિયામાંથી 1,463 શ્રદ્ધાળુઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઉપરાંત, યુકેમાંથી 1,025 અને ઓસ્ટ્રેલિયામાંથી 607 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે 49,556 વિદેશી શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા, અને આ વખતે આ આંકડો વધવાની સંભાવના છે.
ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થઇ રહેલી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 20 માર્ચથી શરૂ થઇ છે. ઉત્તરાખંડ ટુરીઝમે યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન સીસ્ટમ શરૂ કરી છે. આ પ્રક્રિયા દ્વારા મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શનની તક મળે તેની ખાતરી કરવામાં આવશે, જેથી યાત્રા સરળ અને સુરક્ષિત રહે. આ વર્ષની ચારધામ યાત્રા માટે અત્યાર સુધીના રજિસ્ટ્રેશનના આંકડા પ્રમાણે, કેદારનાથ ધામ માટે 5,37,554 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે, જે સૌથી વધુ છે. બદ્રીનાથ ધામ માટે 2,83,167, યમુનોત્રી માટે 2,64,945 અને હેમકુંડ સાહિબ માટે 22,686 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ચારધામ યાત્રાની શરૂઆત માટે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલે ખુલશે. આ પછી, કેદારનાથ ધામના કપાટ 2 મે અને બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે. હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખોલાશે.
