અમેરિકામાં ઘણા સેનેટરોએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફના અમલને નાટકીય રીતે અટકાવતા પહેલાં લોકોને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરીને ઇન્સાઇડર ટ્રેડિંગ અંગે તપાસ કરવાની માગણી કરી હતી. આ વિશે કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એડમ શિફે તાજેતરમાં સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “ટ્રમ્પના તાજેતરના ટેરિફના નાટક અંગે એડમિનિસ્ટ્રેશનમાં કોણ પહેલાથી જાણતું હતું? શું કોઈએ શેર ખરીદ્યા કે વેચાણ કર્યું હતું, અને જાહેર ખર્ચમાંથી નફો કર્યો હતો? “હું વ્હાઇટ હાઉસને લખી રહ્યો છું, લોકોને આ વિશે જાણવાનો અધિકાર છે.” હાઉસ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ એક્સ પર લખ્યું હતું કે “અમેરિકન પ્રેસિડેન્ટ વિશ્વની સૌથી મોટી શેરબજારની હેરફેરની યોજનામાં સામેલ હોવાનું સ્પષ્ટ જણાય છે.” વોલ સ્ટ્રીટના પ્રારંભ પછી થોડીક જ મિનિટમાં ટ્રમ્પે “ખરીદી કરવાનો સમય આવી ગયો છે” પોસ્ટ દ્વારા જણાવ્યા પછી આ આરોપો મુકવામાં આવ્યા હતા. ત્યારપછી થોડા કલાકોમાં ટ્રમ્પે ચીન સિવાય ડઝનબંધ દેશો સામે વધારાના ટેરિફના 90 દિવસના સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો હતો. ઘણા દિવસોના ઘટાડા પછી, ગત બુધવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 7.87 ટકા પર બંધ રહ્યો હતો, જે 2008 પછીનો સૌથી મોટો ઉછાળો હતો, અને નાસ્ડેક 12.16 ટકા વધ્યો, જે 2001 પછીનો સૌથી મોટો ઉછાળો હતો.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર “DJT” અક્ષરો સાથે પોતાની પોસ્ટ પર પણ હસ્તાક્ષર કર્યા હતા, જે તેમનું ટૂંક નામ છે, અને તેમની મીડિયા કંપની- ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપનું શેર બજારનું પણ ટૂંકુ નામ પણ છે. તે દિવસે આ કંપનીના શેરનો ભાવ 21.67 ટકા વધીને બંધ થયો હતો.
વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન સલાહકાર માર્ગો માર્ટિને ગત બુધવારે મોડી રાત્રે એકસ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં ટ્રમ્પ ઓવલ ઓફિસમાં શ્વાબ એસેટ મેનેજમેન્ટના સ્થાપક અને સહ-ચેરમેન ચાર્લ્સ શ્વાબનું સ્વાગત કરતાં જોવા મળે છે. આ સ્થિતિ અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ ફક્ત લોકોને “આશ્વાસન” આપવા ઇચ્છતા હતા.
