
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને ગુરુવાર, 10 એપ્રિલ અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર ઉતરતાની સાથે ભારતની આતંકવાદ વિરોધી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇઆઇ)એ 64 વર્ષના રાણાની ધરપકડ કરી હતી. પ્રાથમિક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને NIA મુખ્યાલય લઈ જવામાં આવ્યો હતો અને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પણ રજૂ કરાશે.
કોર્ટમાં રજૂ કર્યા પછી તેને દિલ્હીની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે અને આખરે તેમને ટ્રાયલનો સામનો કરવા માટે મુંબઈ ખસેડવામાં આવી શકે છે. રાણા પર ગુનાહિત કાવતરું, ભારત સરકાર સામે યુદ્ધ છેડવાનો, હત્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ છે. ભારતમાં રાણાને ફાંસી આપવાની માગણી ચાલુ થઈ હતી.
અમેરિકામાં બે મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે “ખૂબ જ દુષ્ટ” રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ઓક્ટોબર 2009માં યુએસના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ડેનિશ રાજધાની કોપનહેગનમાં એક અખબાર પર હુમલો કરવાની નિષ્ફળ યોજનાને ટેકો આપવા અને મુંબઈ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાને સામગ્રી સહાય પૂરી પાડવા બદલ શિકાગોમાં રાણાની ધરપકડ કરી હતી. બે વર્ષ પછી તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં હતો.
ભારતમાં રાણાને લાવવામાં આવ્યા પછી પાકિસ્તાને જણાવ્યું હતું કે તેને બે દાયકાથી વધુ સમયથી પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી અને તે કેનેડિયન નાગરિક છે.
6 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં હોટલ, એક ટ્રેન સ્ટેશન અને એક યહૂદી કેન્દ્ર પર ત્રણ દિવસ ચાલેલા હુમલાઓમાં 166 લોકોના મોત થયા હતા. ભારતનું જણાવ્યું હતું કે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક જૂથ લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.
