બ્લેકવોલ ટનલ અને ઇસ્ટ લંડનને સાઉથ ઇસ્ટ લંડન સાથે જોડતી નવી ખુલેલી સિલ્વરટાઉન ટનલનો ઉપયોગ કરતા વાહનચાલકો પાસેથી તા. 7મે એપ્રિલથી ચાર્જ લેવાશે. પીક સમયની કાર માટે પ્રતિ મુસાફરીનો દર મહત્તમ £4, રીટર્ન મુસાફરી માટે £8 અને મોટી વાન માટે £13 સુધીનો ખર્ચ થશે. બંને ટનલ અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક ખુલ્લી રહેશે.
૧.૪ કિલો મીટર લાંબી સિલ્વરટાઉન ટનલ ઇસ્ટ લંડનના ન્યુહામથી સાઉથ ઇસ્ટ લંડનના ગ્રીનીચ દ્વીપકલ્પ સુધી ફેલાયેલી છે. તો વિક્ટોરિયન યુગની બ્લેકવોલ ટનલ થેમ્સ નદીની નીચે – ધ O2 અરેનાથી ઇસ્ટ ઇન્ડિયા ડોક રોડ (A13) સુધી લઈ જાય છે.
૨.૨ બિલિયન પાઉન્ડના ખર્ચે બનેલા સિલ્વરટાઉન ટનલ પ્રોજેક્ટને લંડનના મેયર સાદિક ખાન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેને ખાનગી નાણાં દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) ટોલના નાણાં દ્વારા વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડ ચૂકવશે. TfLનો દાવો છે કે નવી ટનલ મુસાફરીમાં 20 મિનિટનો ઘટાડો કરશે.
સોમવારથી શુક્રવાર સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી દર કલાકે લગભગ 21 બસો નવી ટનલમાંથી પસાર થશે અને સાયકલ સવારો માટે શટલ બસ સેવા શરૂ કરાઇ છે.
ટોલ ફોન, ઓનલાઈન અથવા ઓટો પે દ્વારા ચૂકવવાનો રહેશે. ટોલ નહિં ચૂકવનાર લોકો જો 15 દિવસમાં નાણાં ચૂકવશે તો £90 ભરવા પડશે અન્યથા £180નો પેનલ્ટી ચાર્જ લગાવાશે. ઓટો પે સાથે નોંધાયેલા વાહનો માટે મોટાભાગના સમયે પ્રમાણભૂત ઓફ-પીક ચાર્જ લગશે.
