લેસ્ટરશાયરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં આવેલા ફ્રેન્કલિન પાર્કમાં કૂતરાને ફરવા જઈ રહેલા 80 વર્ષીય વૃદ્ધ ભીમ કોહલી પર હુમલો કરી તેમનું મોત નિપજાવવાના આરોપમાં 15 વર્ષીય કિશોર અને 13 વર્ષની છોકરીને દોષી ઠેરવવામાં આવ્યા છે. હુમલાખોરોએ પાર્કમાં જીવલેણ હુમલા દરમિયાન કોહલીને મુક્કા અને લાત મારી મોબાઇલ ફોન પર ફિલ્મ બનાવી હતી.
લેસ્ટર ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતું કે છોકરાએ વંશીય દુર્વ્યવહાર કર્યો હતો, અને “તીવ્ર હુમલા” દરમિયાન ભીમ કોહલી ઘૂંટણ પર હતા ત્યારે તેમના ચહેરા પર સ્લાઇડર શૂથી થપ્પડ મારી હતી. સામેલ છોકરીએ હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું અને હસતા હસતા તેના ફોન પર તેનું ફિલ્માંકન કર્યું હતું.
છોકરા પર હત્યાનો આરોપ મૂકાયો હતો પરંતુ મંગળવારે વધુ ગંભીર આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓનું નામ તેમની ઉંમરને કારણે જાહેર કરી શકાતા નથી. છોકરાને કસ્ટડીમાં મોકલી દેવાયો હતો, જ્યારે છોકરીને શરતી જામીન પર મુક્ત કરવામાં આવી હતી. તેમને 19 અને 20 મેના રોજ સજા સંભળાવવામાં આવશે.
