બ્રિટિશ હિન્દુઓને ઉગ્રવાદી તરીકે ચિતરીને મુસ્લિમો પ્રત્યેની નફરતને કારણે કેટલાક હિન્દુઓ બ્રિટનના ફાર રાઇટ જૂથો સાથે જોડાણ કરી રહ્યા છે અને બ્રિટિશ ચૂંટણીઓમાં દખલ કરી રહ્યા હોવાની આશંકા ધરાવતા મેઇલ ઓન સન્ડે દ્વારા તા. 30 માર્ચ 2025ના રોજ પ્રસિધ્ધ કરાયેલા અહેવાલને પગલે વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ અહેવાલનો બ્રિટીશ હિન્દુ જૂથો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે જેમાં ઇનસાઇટ યુકે સંસ્થા અગ્રેસર છે.
મેઇલ ઓન સન્ડેએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’તેમના દ્વારા જોવામાં આવેલા પોલીસ ગુપ્તચર અહેવાલમાં જણાવાયું છે કે બ્રિટિશ હિન્દુ ઉગ્રવાદીઓ મુસ્લિમો પ્રત્યેની ‘સામાન્ય નફરત’ બાબતે ફાર રાઇટ જૂથો સાથે જોડાણ કરી રહ્યા છે.
આ અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે ભારતના કટ્ટરપંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા ઉગ્રવાદીઓ બ્રિટીશ હિન્દુઓને કયા પક્ષોને મત આપવો અને કયા પક્ષોને ટાળવા તેની સૂચનાઓ આપે છે.
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC)ને ટાંકીને અહેવાલમાં કહેવાયું હતું કે ‘’હિન્દુ ઉગ્રવાદને કારણે મુસ્લિમો અને શીખો જેવા અન્ય ધાર્મિક જૂથો વચ્ચેના સમુદાય સંબંધોને વધુ ખરાબ કરી શકે છે. ‘હિન્દુત્વ એ હિન્દુ ધર્મથી અલગ એક રાજકીય ચળવળ છે અને ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની હિમાયત કરે છે તથા ફાર-રાઇટ કાર્યકર્તા ટોમી રોબિન્સન ‘મુસ્લિમ વિરોધી ઝુંબેશને પ્રોત્સાહન આપવા’ માટે કેટલાક હિન્દુ જૂથો સાથે મુલાકાત કરી રહ્યા છે. તો જુલાઈ 2011માં નોર્વેમાં 77 લોકોની હત્યા કરનાર એન્ડર્સ બ્રેવિક સહિત કેટલાક યુરોપીયન જમણેરી આતંકવાદીઓને હિન્દુત્વ વિચારધારાના પાસાઓ પણ આકર્ષક લાગ્યા છે.
ઇનસાઇટ યુકે દ્વારા ડેઇલી મેઇલ સામે વિરોધ વ્યક્ત કરવા લોકોને પેપરને ઇમેલ કરવા અપીલ કરવામાં આવી છે અને હિન્દુત્વને “હિન્દુ ઉગ્રવાદ” તરીકે લેબલ આપવાનો વિરોધ કરી રદીયો અપાયો છે. તો સમરના રાયટ્સનો ઉલ્લેખ કરી કહેવાયું છે કે તે વખતે માત્ર હિન્દુઓના મકાનો અને મંદિરોને નિશાન બનાવાયા હતા. યુકે સ્થિત કોઈપણ જાણીતી હિન્દુ હિમાયતી સંસ્થા અથવા મંદિર રોબિન્સનની વિચારધારા અથવા જૂથ સાથે જોડાયેલ નથી.
