અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા, વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવા માટે “અમેરિકા ફર્સ્ટ”ના એજન્ડા સાથે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુકે પર લાદેલા સાર્વત્રિક “બેઝલાઇન” 10 ટકા ટેરીફ અને સ્ટીલની આયાત પર પહેલાથી જ લાદેલી 25% ટેરિફના કારણે યુકેના આર્થતંત્ર પર આકરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ વેપાર નીતિના પરિણામો ટ્રાન્સએટલાન્ટિક વેપાર સંબંધો પર અસર ઉભી કરી રહ્યા છે. અબજો ડોલરના આર્થિક વિકાસને નષ્ટ કરનારા આ ટેરિફની અસર યુકેના ઉદ્યોગો, રોજગાર, ભાવ અને વ્યાપક રાજદ્વારી સંબંધોને અસર કરશે.
ટ્રમ્પના વહીવટ દરમિયાન, યુએસ અને યુકે વચ્ચેના વેપાર સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અમેરિકા દ્વારા આયાત થતા યુકેના માલ પર જે ટેરિફ લગાવાયું છે તેમાં મુખ્યત્વે સ્ટીલ, એલ્યુમિનિયમ અને અમુક લક્ઝરી ચીજવસ્તુઓના ક્ષેત્રો છે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે યુ.એસ. સાથેના લાંબા સમયના સંબંધો છતાય યુ.એસ. વહીવટીતંત્રના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી છે. સ્ટાર્મરે એ પણ સંકેત આપ્યો છે કે સંભવિત બદલો લેવાના પગલાં સહિત તમામ વિકલ્પો વિચારણા હેઠળ છે. યુકે સરકાર દ્વારા લાદવામાં આવેલ ટેરિફમાં મુક્તિ અથવા સુધારા મેળવવા માટે યુ.એસ. સમકક્ષો સાથે વાટાઘાટો ચાલુ રખાઇ છે.
યુકે મુક્તિ મેળવવા અથવા વેપાર અવરોધો ઘટાડવા માટે યુ.એસ. સાથે વાટાઘાટો કરી રહ્યું છે. આ ટેરિફ વ્યાપક વેપાર વિવાદોને વેગ આપી શકે છે, જેમાં EU અને અન્ય સાથીઓ સંભવિત રીતે તેમના પોતાના પગલાં સાથે પ્રતિક્રિયા આપી શકે છે.
ટ્રમ્પે યુ.એસ.માં આયાત થતી કાર પર અગાઉ જાહેર કરાયેલ 25% ટેરિફનો ગયા ગુરુવારથી અમલ થયો હતો. જે યુ.એસ.માં £6.4 બિલિયનના મૂલ્યના યુકેના નિકાસ બજારને અસર કરશે, તેમાં રોલ્સ-રોયસ અને એસ્ટન માર્ટિન જેવા લક્ઝરી કાર ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
યુએસની સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની ડ્યુટીના કારણે યુ.એસ.માં નોંધપાત્ર પ્રમાણમાં સ્ટીલની નિકાસ કરતા યુકે માટે, આ પગલું એક મોટો ફટકો બની રહેશે. જેને કારણે બ્રિટિશ સ્ટીલ ઉત્પાદકોએ ઓર્ડરમાં ઘટાડો કરવો પડશે, નાણાકીય તાણ અને નોકરીની અસલામતી જેવા પ્રશ્નો ઉભા થશે. આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ બજારોમાંના એકમાં થનાર નિકાસ ઘટવાથી થતા નુકસાનને પણ વેઠવું પડશે.
યુ.એસ. યુકેનું બીજું સૌથી મોટું સ્ટીલ નિકાસ બજાર છે અને 2023માં યુકે વિશ્વની કુલ સ્ટીલ નિકાસમાં આશરે 5%નો હિસ્સો ધરાવે છે. યુ.એસ. ટેરિફ દ્વારા લક્ષિત અન્ય યુકે નિકાસમાં વ્હિસ્કી, કેશ્મીર અને સિરામિક્સનો સમાવેશ થાય છે. બોઇંગ અને એરબસ વચ્ચે વિમાન સબસિડી પરનો લાંબા સમયથી ચાલતો વિવાદ પણ તકલીફ આપશે. સ્કોટિશ વ્હિસ્કીની નિકાસમાં પણ ટેરિફના કારણે તીવ્ર ઘટાડો થવાના એંધાણ છે.
આ ટેરિફના કારણે યુકે-યુએસના “ખાસ રાજદ્વારી સંબંધો” પર પણ દબાણ આવ્યું છે. યુકે શરૂઆતમાં યુ.એસ. સાથે બ્રેક્ઝિટ પછીના વેપાર કરારની આશા રાખતું હતું પણ હવે આ ટેરિફથી વાટાઘાટો જટિલ બની ગઇ છે.
સ્ટીલ ઉપરાંત, આ વેપાર અવરોધોને કારણે યુકે વ્યાપક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (OECD) એ યુકેના આર્થિક વિકાસ આગાહીને ડાઉનગ્રેડ કરી, આ ઘટાડાને યુ.એસ. ટેરિફની પ્રતિકૂળ અસરોને આભારી ગણાવી. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) એ 2025 માટે GDP વૃદ્ધિમાં અપેક્ષિત 1.7% થી 1.4% સુધીનો ઘટાડો કરવાનો અંદાજ મૂક્યો છે. જે વેપાર અને આર્થિક કામગીરી પર ટેરિફની નોંધપાત્ર અસર બતાવે છે.
OECD ના વચગાળાના આર્થિક દૃષ્ટિકોણ દર્શાવે છે કે વધતા વેપાર અવરોધોને કારણે વૈશ્વિક GDP વૃદ્ધિમાં મંદી આવી શકે છે, જે 2024માં 3.2%થી ઘટીને 2025માં 3.1% અને 2026માં વધુ 3% થવાનો અંદાજ છે. જો વેપાર તણાવ ચાલુ રહેશે તો લાંબા સમય સુધી આર્થિક પડકારોની સંભાવના છે.
શેડો ટ્રેડ સેક્રેટરી, એન્ડ્રુ ગ્રિફિથે, ટ્રમ્પની ટેરિફ જાહેરાતને “નિરાશાજનક સમાચાર” ગણાવ્યા હતા પરંતુ સૂચવ્યું હતું કે બ્રેક્ઝિટે યુકેને ઊંચા આયાત કરથી બચાવ્યું છે. આપણે EU કરતા ઘણા ઓછા ટેરિફનો સામનો કરી રહ્યા છીએ. બ્રેક્ઝિટ હજારો બ્રિટિશ નોકરીઓ અને બિઝનેસીસને સુરક્ષિત રાખશે.”
