ભારત સરકારે બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી બંધ કરી દીધી છે. આ સુવિધા હેઠળ બાંગ્લાદેશ નિકાસ કરતું હતું. ભારતના નિકાસકારો અને ખાસ કરીને એપેરેલ ક્ષેત્રની માગણીને પગલે સરકારે પડોશી દેશ સાથેની આ સુવિધા બંધ કરી દીધી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર કરેલી તાજેતરમાં ચીનમાં જઇને કરેલી ટિપ્પણીઓ વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો છે.
આ સુવિધાથી બાંગ્લાદેશની ભૂતાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં નિકાસ માટે સરળ વેપાર પ્રવાહ શક્ય બન્યો હતો. ભારતે જૂન 2020માં બાંગ્લાદેશ માટે આ સુવિધા ચાલુ કરી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ૮ એપ્રિલના પરિપત્રમાં જણાવાયું હતુ કે ૨૯ જૂન, ૨૦૨૦ના રોજના પરિપત્ર સુધારાના તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં પહેલાથી જ પ્રવેશેલા કાર્ગોને તે પરિપત્રમાં આપેલી પ્રક્રિયા અનુસાર ભારતીય પ્રદેશમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.
યુનુસે ચીનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહ્યું હતું કે ભારતના પૂર્વ ભાગમાં સાત ભૂમિગત રાજ્યો છે, જેને સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. અમે સમુદ્ર (બંગાળની ખાડી)ના રક્ષક છીએ. તેમણે ચીનને આ માર્ગ દ્વારા વિશ્વભરમાં માલ મોકલવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. યુનુસના આ નિવેદનના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં.
મુહમ્મદના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પરના હુમલાઓને રોકવામાં નિષ્ફળ ગયા પછી ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તિરાડ પડી છે.વેપાર નિષ્ણાતોના મતે શિપમેન્ટ ફેસિલિટી બંધ કરવાના આ નિર્ણયથી વસ્ત્રો, ફૂટવેર અને રત્નો અને ઝવેરાત જેવા ઘણા ભારતીય નિકાસ ક્ષેત્રોને મદદ મળશે. કાપડ ક્ષેત્રમાં બાંગ્લાદેશ ભારતનો મોટો હરીફ છે.
