અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ચીન પરની ટેરિફને વધારીને 125 ટકા કરવાની તથા ભારત સહિતના બીજા દેશોને 3 મહિનાની રાહત આપવાની જાહેરાત કરી હતી. મોટાભાગના વેપાર ભાગીદારો દેશો પર પારસ્પરિક ટેરિફ અ્ંગેના ટ્રમ્પના આશ્ચર્યજનક યુ-ટર્ન પછી વિશ્વભરના મોટાભાગના શેરબજારોમાં જોરદાર તેજી જોવા આવી હતી. જોકે હવે ચીન અને અમેરિકા વચ્ચે બરાબરનો ટેરિફ જંગ જામશે.
બુધવારે વોલ સ્ટ્રીટ પર, ડાઉ ઇન્ડેક્સ લગભગ આઠ ટકા અને નાસ્ડેક ૧૨ ટકાથી વધુ ઉછળ્યા હતા. અમેરિકાના શેરબજારો માટે તે છેલ્લાં 24 વર્ષમાં શ્રેષ્ઠ દિવસ હતો. અહીં ઉલ્લેખનીય છે ટ્રમ્પે 10 એપ્રિલથી ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ અને 10 ટકા સાર્વત્રિક ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે વિશ્વના દેશો પર ટેરિફ લાદી તે પછી ચીનને બાદ કરતાં મોટાભાગના દેશોએ અમેરિકા સામે કોઇ વળતા પગલાં લીધી ન હતા અને વાટાઘાટોનો માર્ગ અપનાવ્યો હતો.
ટ્રમ્પે એક્સ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, ટેરિફ નીતિ સંદર્ભે અમેરિકા સાથે વાટાઘાટોનો પ્રયાસ કરનારા 75 દેશોને 90 દિવસ સુધી નવા ટેરિફમાં રાહત અપાશે. આ સમય દરમિયાન અમેરિકા દ્વારા આ 75 દેશ પાસેથી માત્ર 10 ટકાની સાર્વત્રિક અથવા બેઝલાઇન ટેરિફ વસૂલવામાં આવશે. વિશ્વના બજારો પ્રત્યે ચીને આદરભાવ વ્યક્ત ન કર્યો હોવાથી અમેરિકા દ્વારા ચીન પર 125 ટકા ટેરિફ લાદવામાં આવશે અને તેનો તાત્કાલિક અમલ શરૂ થશે. ટ્રમ્પે ઓચિંતો નિર્ણય લેવાની સાથે ચીનને આકરો જવાબ પણ આપ્યો હતો.
અગાઉ ચીને દાવો કર્યો હતો કે, ચીનના કાયદેસરના અધિકાર અને હિતોને અમેરિકાએ નુકસાન પહોંચાડ્યું છે, જેનો જવાબ અપાશે. ચીનના આ દાવાને પડકારતાં ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, યુએસ સહિત અન્ય દેશોને નુકસાન પહોંચાવાની નીતિ ટકી શકે નહીં અને તે કોઈ રીતે સ્વીકાર્ય નથી, તેવું ચીનને નજીકના ભવિષ્યમાં સમજાઈ જશે.
અમેરિકા સામે વળતા પગલાં લેતા ચીને અમેરિકાની તમામ પ્રોડક્ટ્સ પર 84 ટકા ટેરિફ લાદવાની ગુરુવારે જાહેરાત કરી હતી. ચીનના નાણામંત્રાલયે જણાવ્યું હતું કે કે નવી ટેરિફ 10 એપ્રિલથી અમલી બનશે. ચીનની પ્રોડક્ટ્સ પર 104 ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી ચીને પણ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો.
ટ્રમ્પના ૧૦૪ ટકા ટેરિફ લાગુ થયા બાદ ચીને અમેરિકા પર ‘ઘમંડી અને ગુંડાગીરીભર્યું વર્તન’ કરવાનો આક્ષેપ કર્યો હતો. ગયા શુક્રવારે, ચીને ટ્રમ્પના “લિબરેશન ડે” ટેરિફના જવાબમાં અન્ય પગલાં ઉપરાંત અમેરિકાથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 34 ટકા ટેરિફ તથા દુર્લભ ખનિજો પર નિકાસ નિયંત્રણોની જાહેરાત કરી હતી. આ પછી ટ્રમ્પે ચીન પર 50 ટકા ટેરિફ ઉમેરતા કહ્યું કે તેમની સાથેની વાટાઘાટો બંધ કરાઈ છે.
છેલ્લાં એક મહિનામાં અમેરિકાએ તબક્કાવાર ધોરણે ચીન પર આશરે 100 ટકાની અસાધારણ ટેરિફ લાદી છે. ચીનને ટેરિફ ૩૪ ટકાથી વધારીને ૮૪ ટકા કરવાનો નિર્ણય કર્યા પછી બંને વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલય અનુસાર, અમેરિકાએ 2024માં ચીનમાં $143.5 બિલિયનનો માલ નિકાસ કર્યો હતો, જ્યારે $438.9 બિલિયનનો માલ આયાત કર્યો હતો.
ટ્રમ્પનો આ નિર્ણય રાજકીય મોરચે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. કારણ કે, અમેરિકાની નવી ટેરિફ નીતિ સામે યુરોપના દેશોમાં આક્રોશ ફેલાયો હતો. ટ્રમ્પનું હૃદયપરિવર્તન થશે તેવી આશાએ વાટાઘાટો પર નજર રાખીને બેઠેલા યુરોપીયન યુનિયન દેશોએ બુધવારે અમેરિકા પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો.
યુરોપના 27 દેશોએ લીધેલા નિર્ણય મુજબ, ચીન કે અમેરિકાની જેમ એક ઝાટકે તોતિંગ ટેરિફ નાખવાના બદલે તબક્કાવાર ટેરિફ વધારો કરવાનો અને તે દરમિયાન વાટાઘાટોથી વચલો માર્ગ શોધવાના વિકલ્પને પસંદ કર્યો હતો. ટ્રમ્પે ઝીંકેલા ટેરિફના જવાબમાં 23 અબજ ડોલરના અમેરિકી ગૂડ્સ પર ટેરિફ લાગુ કરવાનો યુરોપિયન સંઘે નિર્ણય લીધો હતો. આ ટેરિફનો અમલ ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવાનો હતો. 15 એપ્રિલ, 15 મે અને પહેલી ડિસેમ્બરથી યુરોપના દેશોમાં નવા ટેરિફ લાગુ કરવાનું આયોજન હતું.
ટ્રમ્પે બદલેલી વ્યૂહરચના રાજકીય દૃષ્ટિએ ઘણી મહત્ત્વની છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનને એકલું પાડવાનો પ્રયાસ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વળી, યુરોપીયન યુનિયન દેશો ચીનના પગલે ચાલવાનું શરૂ કરે તે પહેલાં જ ટ્રમ્પે તેમની સાથેના કથળતા સંબંધો સુધારી લીધા છે. જેને પગલે હવે ટેરિફ વોરમાં ચીન-અમેરિકા વચ્ચે સીધો જંગ જામશે.
