
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બે એપ્રિલે વિશ્વભરના દેશો પર જંગી ટેરિફ લાદી ટ્રેડવોર ચાલુ કર્યા પછી વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી છે. ટ્રમ્પે ભારતની પ્રોડક્ટ્સ પર 19 એપ્રિલથી અસરથી 26 ટકા અને યુકેની લગભગ તમામ પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદી હોવાથી બંને દેશોની અમેરિકામાં નિકાસને મોટી અસર થવાની ધારણા છે. યુકેની વાર્ષિક આશરે 182 બિલિયન પાઉન્ડની નિકાસને તથા ભારતની 77.5 બિલિયન ડોલરની નિકાસને અસર થવાની ધારણા છે. જોકે યુકે અને ભારત બંને દેશો પર હરીફ દેશો કરતાં અમેરિકાએ ઓછી ટેરિફ લાદી હોવાથી બંને સ્પર્ધાત્મક લાભ થવાની પણ નિષ્ણાતો ધારણા વ્યક્ત કરી રહ્યાં છે.
ભારતના ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ગાર્મેન્ટ ઉદ્યોગો પ્રભાવિત થશે. યુકેના ખાસ કરીને ઓટો, કેમિકલ્સ, મેન્યુફેક્ચરિંગ, સ્કોચ વ્હિસ્કી, ચા અને બિસ્કિટ સહિત ફૂડ એન્ડ ડ્રિન્ક, ડિફેન્સ, એરક્રાફ્ટ, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી ઇન્ડસ્ટ્રીઝને અસર થવાની ધારણા છે. ગયા વર્ષે અમેરિકામાં નિકાસમાં £9 બિલિયનની કમાણી કરનારા બ્રિટિશના ઓટો ક્ષેત્ર પર હવે 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, તેથી તેને ફટકો પડશે. જગુઆર લેન્ડ રોવર, રોલ્સ-રોયસ, એસ્ટન માર્ટિન અને મિની જેવા બ્રાન્ડ્સને પડકારોનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે.
યુકે અને ભારતે વળતી ટેરિફ લાદવાની જગ્યાએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાની હિલચાલ ચાલુ કરી છે.
ટ્રમ્પે યુકેની લગભગ તમામ પ્રોડક્ટ્સ પર 10 ટકાની બેઝલાઇન ટેરિફ લાદી છે. આ ઉપરાંત યુકેની કાર નિકાસ તેમજ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ટેરિફ વચ્ચે ટાટા મોટર્સની માલિકીની બ્રિટિશ કાર ઉત્પાદક જગુઆર લેન્ડ રોવર (JLR)એ તેના અમેરિકન શિપમેન્ટમાં થોડા સમય માટે સ્થગિત કરી દીધા હતાં. કંપનીએ 2024ના ત્રીજા ક્વાર્ટરમાંયુએસમાં લગભગ 38,000 કારની નિકાસ કરી હતી.
ટ્રેડ વોર વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે રવિવારે યુકેના બિઝનેસનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે તેમણે આ માટે કોઇ વધુ વિગતો આપી ન હતી. સ્ટાર્મરે યુએસ સાથે વેપાર સમજૂતી કરવાની યોજનાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉદ્યોગોને રક્ષણ આપવા સરકારની દરમિયાનગીરીનો સંકેત આપતા તેમણે જણાવ્યું હતું કે તમામ વિકલ્પો ખુલ્લા છે. યુકે અને સમગ્ર વિશ્વમાં આર્થિક પરિણામો ગહન હોઈ શકે છે. આપણે અમેરિકા સાથે પહેલાથી જ સંતુલિત વેપાર સંબંધ ધરાવીએ છે અને નવા આર્થિક સમૃદ્ધિ સોદા પર કામ ચાલુ છે. અમે બ્રિટિશ બિઝનેસ તોફાનથી બચાવવા માટે ઔદ્યોગિક નીતિનો ઉપયોગ કરવા તૈયાર છીએ. કેટલાક લોકો તેનો વિરોધ કરી શકે છે, પરંતુ દુનિયા આટલી ઝડપથી બદલાઈ રહી છે ત્યારે આપણે જૂની લાગણીઓને વળગી રહી શકીએ નહીં.
