આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં 2023માં ખાનગી રોકાણના સંદર્ભમાં ભારત 1.4 અબજ ડોલરના રોકાણ સાથે વિશ્વમાં 10મા ક્રમે રહ્યું હતું. આ યાદીમાં 67 અબજ ડોલરના ખાનગી રોકાણ સાથે અમેરિકા ટોચ પર રહ્યું હતું. અમેરિકાનું આ રોકાણ વૈશ્વિક એઆઇ ખાનગી રોકાણના આશરે 60 ટકા હતું. ચીન 7.8 અબજ ડોલરના રોકાણ સાથે બીજા ક્રમે રહ્યું હતું. 2023માં AIમાં નોંધપાત્ર ખાનગી રોકાણો ધરાવતા ભારત અને ચીન વિશ્વના માત્ર બે વિકાસશીલ દેશો રહ્યાં હતાં.
યુએન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)એ જારી કરેલા 2025 ટેકનોલોજી એન્ડ ઇનોવેશન રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત 2024માં ‘રેડીનેસ ફોર ફ્રન્ટીયર ટેક્નોલોજી’ ઇન્ડેક્સમાં કુલ 170 દેશોમાં 36મા ક્રમે રહ્યું હતું. આ ઇન્ડેક્સમાં ભારત 2022માં 48મા ક્રમે હતું. આ ઇન્ડેક્સમાં આઇસીટી ડિપ્લોયમેન્ટ, સ્કીલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી), ઇન્ડસ્ટ્રીઝયલ કેપેસિટી અને નાણાની ઉપલબ્ધતા જેવા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
ભારત ICT માટે 99મા ક્રમે, સ્કીલમાં માટે 113મા ક્રમે, R&Dમાં ત્રીજા ક્રમે, ઔદ્યોગિક ક્ષમતામાં 10મા ક્રમે અને નાણાકીય ક્ષેત્રમાં 70મા ક્રમે રહ્યું હતું.
રિપોર્ટમાં જણાવાયું હતું કે ચીન, જર્મની, ભારત, બ્રિટન અને અમેરિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તાકાત દર્શાવે છે. 2033 સુધીમાં AI 4.8 ટ્રિલિયન ડોલરનું બજાર મૂલ્ય હાંસલ કરે તેવી અપેક્ષા છે, જે ડિજિટલ પરિવર્તનમાં એક મુખ્ય પ્રેરકબળ બનશે. AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા હજુ પણ ગણ્યાગાંઠ્યા દેશોમાં કેન્દ્રિત છે.AIથી વિશ્વભરમાં 40 ટકા નોકરીઓ પ્રભાવિત થશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે, પરંતુ ઓટોમેશન અને નોકરીઓકાપ અંગે પણ ચિંતાઓ ઉભી કરે છે.એઆઇથી નવા ઉદ્યોગોનું પણ સર્જન થશે.
