તમન્ના ભાટીયા જગન શક્તિની જંગલ એડવેન્ચર ફિલ્મમાં અજય દેવગણ અને સંજય દત્ત સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેણે આ રોલ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે, પરંતુ શરૂઆતથી તેની ખાસ એકવાર શ્રીદેવીનો રોલ કરવાની છે, તે એક વખત ફિલ્મમાં શ્રીદેવીનું પાત્ર ભજવવા ઇચ્છે છે.
તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તેની મોટા પડદે કોઈ પાત્ર ભજવવાની ઇચ્છા વિશે પૂછાયું ત્યારે તમન્નાએ કહ્યું, “એ શ્રીદેવી મેમ હશે, મને લાગે છે તે સુપર આઇકોનિક હતાં, એ એક એવી વ્યક્તિ છે, જેમની સાથે મને હંમેશા લગાવ રહ્યો છે.” તમન્ના અગાઉ પણ શ્રીદેવીનું પાત્ર ભજવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે. અગાઉ પણ તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બાળપણથી શ્રીદેવી તેના માટે પ્રેરણાદાયી રહ્યા છે અને તેમની બાયોપિક કરવી કે તેમનો રોલ કરવો એ તેનું એક સપનું રહ્યું છે.
અત્યારે તમન્ના કેટલીક રસપ્રદ ફિલ્મમાં કામ કરી રહી છે, જગન શક્તિની રેન્જરમાં તે મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ અંગે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “તે આ સફર શરૂ કરવા ખુબ આતુર છે. આ બહુ સારી રીતે લખાયેલો રોલ છે, જેમાં એક્ટિંગ બતાવવાની ક્ષમતા છે. તમન્નાએ આ રોલ માટે એકસાથે ઘણી તારીખો ફાળવી છે. સાથે તે હાલ અન્ય ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સાંભળી રહી છે.” વ્યક્તિગત જીવનમાં બે વર્ષના સંબંધ પછી તમન્ના અને વિજય વર્મા થોડાં દિવસો પહેલાં અલગ થઈ ગયાં છે. જોકે, તેઓ બંને જીવનભર મિત્રો બની રહેવામાં ખુશ અને સહમત થયા છે.
