U.S., April 6, 2025. REUTERS/Annabelle Gordon

ચીન સહિતના દેશો સામે ચાલુ કરેલા ટેરિફ વોરથી અમેરિકાના શેરબજારોમાં ભારે ધોવાણ તથા વૈશ્વિક મંદીની આશંકા ઊભી થઈ હોવા છતાં અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાની આક્રમક ટેરિફ નીતિઓનો જોરદાર બચાવ કરતાં જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચેના ટ્રેડ વોરમાં અમેરિકા કરતાં ચીનને ઘણો વધુ ફટકો પડ્યો છે. અમેરિકા પ્રજાએ મક્કમ બનવું પડશે, કારણ કે તે સરળ નહીં હોય, પરંતુ અમેરિકનો આખરે વિજય થશે

ટ્રમ્પ સોશિયલમાં પોતાની ટેરિફ વ્યૂહરચનાને આર્થિક ક્રાંતિ ગણાવીને ટ્રમ્પે લખ્યું હતું કે અમેરિકા કરતાં ચીનને ઘણો વધારે ફટકો પડ્યો છે. ચીન અને બીજા ઘણા દેશોએ આપણી સાથે લાંબા સમય સુધી ખરાબ વર્તન કર્યું છે.આપણે મૂંગા અને લાચાર રહીને ચાબુક સહન કર્યાં છે, પરંતુ હવે આવું નહીં થાય. અમે નોકરીઓ અને બિઝનેસને પહેલા ક્યારેય ન હોય તેટલા પ્રમાણમાં પાછા લાવી રહ્યા છીએ. પાંચ ટ્રિલિયનનું રોકાણ આવ્યું છે અને તેમાં ઝડપથી વધારો થઈ રહ્યાં છે. આ એક આર્થિક ક્રાંતિ છે અને આપણે જીતીશું. મક્કમ બનો, તે સરળ નહીં હોય, પણ અંતિમ પરિણામ ઐતિહાસિક હશે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.

અમેરિકા સામે વળતાં પગલાં તરીકે 10 એપ્રિલથી તમામ યુએસ પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેરિફ લાદવાની ચીનની જાહેરાત પછી ટ્રમ્પે આ ટિપ્પણી કરી હતી. અગાઉ ટ્રમ્પે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 34 ટકા વધારાની ટેરિફની જાહેરાત કરી હતી.

આ ટેરિફ વોરથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુ કથળ્યા છે.
જોકે ટ્રમ્પે બેઇજિંગના પ્રતિભાવને નબળાઈની નિશાની ગણાવીને ફગાવી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગુરુવારે નવા ટેરિફની જાહેરાત બાદ ચીન ગભરાઈ ગયું છે.

LEAVE A REPLY