અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની 18મી માર્ચે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિમી લાંબી પદયાત્રા રવિવારે રામનવમીના શુભ અવસરે સંપન્ન થઈ હતી. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતાં.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ ગોમતિપૂજન કર્યું હતું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી વહેંચવામાં આવી હતી.
10 એપ્રિલ 2025ના રોજ 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા અનંત અંબાણીએ આ પદયાત્રા કરી હતી. પદયાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણીના માતા નીતા અંબાણી તથા તેમના પત્ની રાધિકા પણ પદયાત્રામાં જોડાયા હતાં અને રામનવમીના પાવન અવસર પર તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતાં.
પદયાત્રા દરમિયાન દરરોજ વિવિધ સંતો અને કથાકાર પણ તેમની સાથે જોડાયા હતાં. પદયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુરુવાર, એપ્રિલની સવારે, બાગેશ્વર ધામના આધ્યાત્મિક નેતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ પદયાત્રામાં જોડાયા હતાં અને અનંત સાથે સાથે ખુલ્લા પગે ચાલ્યા હતાં. ધાર્મિક પ્રવચનો અને સનાતન ધર્મના પ્રખર હિમાયતી બાબા બાગેશ્વરે આરોગ્યના પડકારો છતાં અંબાણીની અતૂટ શ્રદ્ધા અને નિશ્ચયની પ્રશંસા કરી હતી.
દિવસ દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે અનંત રાત્રે આ યાત્રા કરતાં હતા. આરોગ્યના પડકારોનો હોવા છતાં અનંતની પદયાત્રા પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ રહી હતી. અનંત બાળપણથી જ ફેફસાના ગંભીર રોગ, થાઇરોઇડ સમસ્યાઓ અને કુશિંગ સિન્ડ્રોમ જેવી બીમારીઓ સામે લડી રહ્યા છે, જે શારીરિક મર્યાદાઓનું કારણ બની છે.
