2017માં સુરતના એક જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા પર દુષ્કર્મ આચરવા બદલ જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજે તેને 10 વર્ષની કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. શાંતિસાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે અને સાડાસાત વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.

આ ઘટના વખતે શ્રાવિકાની ઉંમર 19 વર્ષ હતી, જ્યારે શાંતિસાગર 49 વર્ષનો હતો. આ કેસમાં સરકારી વકીલ રાજેશ ડોબરિયા અને પીડિતા તરફથી એડવોકેટ મુખત્યાર શેખે મજબૂત દલીલો રજૂ કરી હતી. પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 સાક્ષીઓના નિવેદનો આરોપીને દોષિત સાબિત કરવામાં નિર્ણાયક રહ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન બે જજ બદલાયા હતા. શાંતિસાગરે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા, પરંતુ આઠ વર્ષમાં તેને એક પણ વખત જામીન મળ્યા નહીં. ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું અવસાન થયું હતું, અને પીડિતાને સુરક્ષા માટે વેશ બદલીને કોર્ટમાં હાજર થવું પડતું હતું. અંતે ન્યાય મળતાં પીડિતા અને તેના પરિવારને રાહત મળી છે.

સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીને આજીવન કેદની સજા આપવાની માગણી કરી હતી. તેમણે પીડિતાને થયેલા માનસિક-શારીરિક નુકસાન અને તેના પિતાના મૃત્યુનો ઉલ્લેખ કરીને પીડિત સહાય યોજના હેઠળ વળતરની માગ પણ કરી હતી. બચાવ પક્ષે ઓછી સજા માટે દલીલો કરી, પરંતુ કોર્ટે તેને ફગાવી હતી.

ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના વતની અને વડોદરામાં રહેતી યુવતી 1 ઓક્ટોબર, 2017ના રોજ પરિવાર સાથે સુરતના જૈન દિગમ્બર દેરાસરમાં આવી હતી. શાંતિસાગરે યુવતીના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા અને પછી માતા-પિતા તથા ભાઈને અલગ રૂમમાં બેસાડીને યુવતીને બીજા રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે ધાર્મિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના જણાવ્યા મુજબ, શાંતિસાગરે તેની પાસે નગ્ન ફોટા મગાવ્યા હતા અને ધમકી આપી હતી કે જો તેની વાત નહીં માને તો તેના માતા-પિતાનું મૃત્યુ થશે.

ઘટના બાદ યુવતીને શારીરિક પીડા થઈ અને તે બેહોશ થઈ ગઈ હતી. પરિવારે તેને હિંમત આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું કે તેણે ફરિયાદ એટલા માટે કરી કે ભવિષ્યમાં અન્ય કોઈ યુવતી આવા દુષ્કર્મનો ભોગ ન બને.

LEAVE A REPLY