
વિરોધ પક્ષો અને મુસ્લિમોના વિરોધ વચ્ચે ભારતના સંસદના બંને ગૃહમાં વિવાદાસ્પદ વકફ સુધારા બિલ 2025ને ગુરુવાર, 4 એપ્રિલની રાત્રે બહાલી મળી હતી. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની લાંબી ઉગ્ર ચર્ચા પછી રાજ્યસભામાં આ બિલની તરફેણમાં 182 અને વિરોધમાં 95 મત સાથે મંજૂરી મળી હતી. અગાઉ લોકસભામાં આ બિલને તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત સાથે મંજૂરી મળી હતી. આ ખરડાને હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે અને તે કાયદો બનશે.
રાજ્યસભામાં અગાઉ, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પુનરોચ્ચાર કર્યો હતો કે પ્રસ્તાવિત કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી અથવા તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી, પરંતુ વકફ મિલકતોની કામગીરીમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસવામાં આવેલા અને ફરીથી તૈયાર કરાયેલા બિલને પસાર કરવા માટે વિપક્ષનો ટેકો માંગતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનો હેતુ અગાઉની સરકારોના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાનો છે.
લોકસભામાં પણ 12 કલાક સુધીની ઉગ્ર ચર્ચા પછી બુધવારે રાત્ર આશરે એક વાગ્યે વક્ફ (સુધારા) બિલ, 2025ને બહાલી મળી હતી. શાસક NDAએ આ બિલને લઘુમતીઓ માટે ફાયદાકારક કાયદા ગણાવીને તેની જોરદાર તરફેણ કરી હતી, જ્યારે વિપક્ષે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું.
બિલ અંગેની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે લઘુમતીઓ માટે ભારતથી વધુ સુરક્ષિત દુનિયામાં કોઈ સ્થાન નથી અને તેઓ સુરક્ષિત છે કારણ કે બહુમતી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે.
મોદી સરકારના આ બિલને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતિશકુમારની જેડીયુ, લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ) સહિતના મહત્ત્વના એનડીએના ઘટક પક્ષોએ સમર્થન આપતા આ બિલની મંજૂરીનો માર્ગ મોકળો થયો હતો. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકેએ આ બિલનો વિરોધ કર્યો હતો.
આ બિલની ભાજપની આગેવાની હેઠળના એનડીએના સભ્યોએ જોરદાર તરફેણ કરી હતી, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા બ્લોકના સભ્યોએ તેને ગેરબંધારણીય અને મુસ્લિમો પરના હુમલો ગણાવીને તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વકફ બિલના નામે દેશમાં લઘુમતીઓને ડરાવીને અને ભ્રમ ફેલાવીને વોટ બેંક બનાવવામાં આવી રહી છે. ૨૦૧૪માં ચૂંટણીઓ થવાની હતી અને ૨૦૧૩માં તુષ્ટિકરણના હેતુથી રાતોરાત વકફ કાયદામાં સુધારો કરાયો હતો અને દિલ્હીના લુટિયન્સ ઝોનમાં ૧૨૩ મિલકતો ચૂંટણીના માત્ર ૨૫ દિવસ પહેલા વકફને સોંપવામાં આવી હતી.
IMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું અને કાયદાની નકલ ફાડી નાખી હતી. વિવાદાસ્પદ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા, હૈદરાબાદના સાંસદે મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મારો અંતરાત્મા આ સ્વીકારતો નથી અને તેમણે તેને ફાડી નાખ્યું હતું.
