(ANI Photo/SansadTV)

સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની 12 કલાક સુધીની ઉગ્ર ચર્ચા પછી બુધવારે રાત્ર આશરે એક વાગ્યા વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ, 2025ને લોકસભાની બહાલી મળી હતી. શાસક NDAએ આ બિલને લઘુમતીઓ માટે ફાયદાકારક કાયદા ગણાવીને તેની જોરદાર તરફેણ કરી હતી, જ્યારે વિપક્ષે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. વિરોધ પક્ષના સભ્યોએ રજૂ કરેલા તમામ સુધારાઓને ધ્વનિ મતથી ફગાવી દીધા પછી 288 વિરુદ્ધ અને 232 મતોથી બિલને લોકસભાની મંજૂરી મળી હતી.

બિલ અંગેની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે લઘુમતીઓ માટે ભારતથી વધુ સુરક્ષિત દુનિયામાં કોઈ સ્થાન નથી અને તેઓ સુરક્ષિત છે કારણ કે બહુમતી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે.

મોદી સરકારના આ બિલને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતિશકુમારની જેડીયુ, લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ) સહિતના મહત્ત્વના એનડીએના ઘટક પક્ષોએ સમર્થન આપતા આ બિલની મંજૂરીનો માર્ગ મોકળો થયો હતો. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકેએ આ બિલનો વિરોધ કર્યો હતો.

અગાઉ બપોર આશરે 12 વાગ્યે લોકસભામાં લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું હતું અને ચર્ચાનો પ્રારંભ કર્યો હતો. કિરેન રિજિજુએ વકફ (સુધારા) બિલના નવા વર્ઝન યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ બિલ (UMEED)ને રજૂ કર્યા પછી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાનો તખતો ઘડાયો હતો.

આ બિલની ભાજપની આગેવાની હેઠળના એનડીએના સભ્યોએ જોરદાર તરફેણ કરી હતી, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા બ્લોકના સભ્યોએ તેને ગેરબંધારણીય અને મુસ્લિમો પરના હુમલો ગણાવીને તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વકફ બિલના નામે દેશમાં લઘુમતીઓને ડરાવીને અને ભ્રમ ફેલાવીને વોટ બેંક બનાવવામાં આવી રહી છે. ૨૦૧૪માં ચૂંટણીઓ થવાની હતી અને ૨૦૧૩માં તુષ્ટિકરણના હેતુથી રાતોરાત વકફ કાયદામાં સુધારો કરાયો હતો અને દિલ્હીના લુટિયન્સ ઝોનમાં ૧૨૩ મિલકતો ચૂંટણીના માત્ર ૨૫ દિવસ પહેલા વકફને સોંપવામાં આવી હતી.

IMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું અને કાયદાની નકલ ફાડી નાખી હતી. વિવાદાસ્પદ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા, હૈદરાબાદના સાંસદે મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મારો અંતરાત્મા આ સ્વીકારતો નથી અને તેમણે તેને ફાડી નાખ્યું હતું.

LEAVE A REPLY