યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીનો સરકારને બરખાસ્ત કરીને યુએનના નેજા હેઠળની સરકાર રચવાની દરખાસ્ત કરી હતી. પુતિનની આ નવી માગણીથી યુદ્ધવિરામની સમજૂતીમાં નવું જોખમ આવી શકે છે.
શુક્રવારે વહેલી સવારે પ્રસારિત ટેલિવિઝન ભાષણોમાં રશિયન પરમાણુ સબમરીનના ક્રૂ સાથે વાતચીત કરતા પુતિને જણાવ્યું હતું કે ઝેલેન્સીનો કાર્યકાળ ગયા વર્ષે સમાપ્ત થયો હતો, તેથી ઝેલેન્સ્કી પાસે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની કાયદેસરતાનો અભાવ છે. યુક્રેનની હાલની સરકાર સાથે થયેલા કોઈપણ કરારને અનુગામીઓ પડકારી શકે છે અને યુએનના નેજા હેઠળના શાસન હેઠળ નવી ચૂંટણીઓ યોજાઈ શકે છે.
યુક્રેનના બંધારણ હેઠળ દેશમાં લશ્કરી કાયદો લાગુ હોય ત્યારે રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજવી ગેરકાયદેસર છે. પુતિને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ, અમેરિકા, યુરોપિયન દેશો અને અલબત્ત, અમારા ભાગીદારો અને મિત્રો સાથે આપણે યુક્રેમમાં હંગામી સરકારની શક્યતા ચકાવી શકીએ છીએ. તેનાથી લોકશાહી ઢબે જનતાના વિશ્વાસથી નવી સરકાર આવશે અને તે પછી શાંતિ સંધિ પર વાટાઘાટો શરૂ કરી શકાશે. આવી બાહ્ય સરકાર એક વિકલ્પ છે.
પેરિસમાં ગુરુવારે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત શિખર સંમેલનના સમાપન પછી પુતિનને આ નિવેદન આપ્યું હતું. શિખર સંમેલનમાં શાંતિ કરારને મજબૂત બનાવવા માટે યુક્રેનમાં સૈનિકો તૈનાત કરવાની યોજના પર વિચારણા કરાઈ હતી. જોકે રશિયાએ ચેતવણી આપી છે કે તે શાંતિ રક્ષક દળના ભાગ રૂપે નાટો સભ્યોના કોઈપણ સૈનિકોને સ્વીકારશે નહીં.
બીજી તરફ યુક્રેનના એરફોર્સના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે રશિયાએ યુક્રેન પર 163 ડ્રોન છોડ્યા હતાં, જેમાંથી 89 તોડી પાડવામાં આવ્યા હતાં અને 51 વધુ જામ કરાયા હતાં. ડ્રોન હુમલાથી ઝાપોરિઝ્ઝિયામાં અનેક રહેણાંક ઇમારતોને નુકસાન થયું અને 19 વર્ષીય યુવક ઘાયલ થયો હતો.
