સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્યને પ્રથમ સ્થાન આપીને બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે પોતાના સ્તનની તપાસ કરાવવા એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે.
સ્તન કેન્સર એ યુકેમાં સૌથી સામાન્ય પ્રકારના કેન્સરમાંની એક બીમારી છે, અને જેમ જેમ તમે મોટા થાઓ છો તેમ તેમ તે થવાની શક્યતા વધે છે. પરંતુ સારા સમાચાર એ છે કે નિયમિત બ્રેસ્ટ સ્ક્રીનીંગ આ રોગ સામે એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે. તે પ્રારંભિક તબક્કે કેન્સર શોધી શકે છે અને યુકેમાં દર વર્ષે લગભગ 1,300 જીવ બચાવે છે.
NHS સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતીય સહિતની 42% સાઉથ એશિયન મહિલાઓ ભાગ્યે જ બ્રેસ્ટ સ્ક્રીનીંગની ચર્ચા કરે છે જે ખરેખર સૌથી મહત્વપૂર્ણ છે. 70% લોકો સ્તન કેન્સરની સંભાવના વિશે ચિંતિત હોવા છતાં આમંત્રિત લોકોમાંથી લગભગ ત્રીજા ભાગ સ્ક્રીનીંગમાં હાજરી આપતા નથી.
50 વર્ષથી વધુ ઉંમરની સાઉથ એશિયન મહિલાઓમાંથી 31%એ સ્વીકાર્યું છે કે તેઓ ‘નોન-અરજન્ટ’ – જેમ કે સ્તનની તપાસ જેવી આરોગ્ય મુલાકાતોમાં હાજરી આપવાનું ટાળશે.
સ્તનની તપાસ કોઈપણ લક્ષણો દેખાય તે પહેલાં કેન્સર શોધી શકે છે, જે તમને માનસિક શાંતિ આપે છે અને વહેલા શોધવાથી સારવાર સફળ થવાની શક્યતા વધી શકે છે.
સ્તનનું સ્ક્રીનીંગ કરનાર નિષ્ણાત – મેમોગ્રાફર – હંમેશા સ્ત્રી હોય છે અને દુભાષિયાની સેવાઓ પણ મળે છે. આ તપાસમાં લગભગ 30 મિનિટ લાગે છે. જેમાં તમને દરેક સ્તન માટે બે એક્સ-રે મળશે, અને તમારા પરિણામો બે અઠવાડિયામાં પોસ્ટમાં આવી જશે. જો તમારા પરિણામોમાં સ્તન કેન્સરના કોઈ ચિહ્નો દેખાતા નથી, તો તમને આગામી ત્રણ વર્ષમાં બીજી તપાસ માટે આમંત્રિત કરવામાં આવશે. પણ જો વધુ ટેસ્ટની જરૂર લાગે તો ત્યાંથી જ માર્ગદર્શન મળશે. અસરકારક સારવાર માટે વહેલું નિદાન મહત્વપૂર્ણ છે.
50 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાએ તપાસ કરાવવી જોઇએ. GPમાં નોંધાયેલ બધી મહિલાઓને 50 થી 71 વર્ષની વય વચ્ચે દર ત્રણ વર્ષે સ્તનની તપાસ માટે આમંત્રણ મળે છે. પહેલું આમંત્રણ 50થી 53 વર્ષની વય વચ્ચે પોસ્ટમાં આવશે. જો તમારા સ્તન સ્ક્રીનીંગમાં સ્તન કેન્સરના કોઈ ચિહ્નો ન દેખાય તો પણ, મેમોગ્રામ વચ્ચે તમારા સ્તનો તપાસવા અને જો તમને કોઈ ફેરફાર દેખાય તો તમારા GP પ્રેક્ટિસનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે.
