સારા જીવનધોરણ અને બિઝનેસ માટે અનુકૂળ માહોલ જેવા પરિબળોના કારણે ભારતના આશરે 22 ટકા સુપર રીચ દેશ છોડીને વિદેશમાં વસવાટ કરવા માગે છે. મોટાભાગના સુપર રિચને યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં સ્થાયી થવાની ઈચ્છા છે, એમ કન્સલ્ટન્સી કંપની EYના સહયોગમાં દેશની અગ્રણી વેલ્થ મેનેજર કોટ પ્રાઇવેટે કરેલા એક સરવેમાં જણાવાયું હતું.
આ સરવેમાં દેશના 150 અલ્ટ્રા હાઇનેર્થ ઇન્ડિવિડ્યુઅલને આવરી લેવાયા હતા. સરવે મુજબ, દર વર્ષે 25 લાખ ભારતીયો અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે. દેશના દરેક પાંચ અલ્ટ્રા HNI (હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ)માંથી એકથી વધુ વ્યક્તિએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મોટા ભાગનાની ઈચ્છા પોતાની પસંદગીના દેશમાં વસવાટ કરવાની સાથે ભારતીય નાગરિકત્વ જાળવી રાખવાની છે.
વિદેશમાં સ્થળાંતરને કેટલાક ધનિકો ભાવિ રોકાણ માને છે. તેઓ બાળકોના ભવિષ્યને પાંખો આપવાની અને ઉત્તમ ઉચ્ચ શિક્ષણ મળવાની પસંદગી પણ એક પ્રેરક બળ છે. ભારતમાં આશરે રૂ.25 કરોડથી વધારે સંપત્તિ ધરાવતા લોકોને અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ કહેવામાં આવે છે. 2023ના વર્ષમાં આવા ભારતીયોની સંખ્યા 2.83 લાખ હતી, જેને જોતાં આ અતિ ધનિકોની કુલ સંપત્તિ રૂ.2.83 લાખ કરોડ છે. સર્વે મુજબ, વર્ષ 2028 સુધીમાં 4.3 લાખ લોકો આ શ્રેણીમાં આવશે અને તેમની કુલ સંપત્તિ 3.59 લાખ કરોડથી વધુની હશે.
