ભારતની જાસૂસી એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) વિદેશમાં હત્યાઓ કરાવતી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને ભારતમાં લઘુમતીની હાલત ચિંતાજનક છે તેવો દાવો કરતા યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ (USCIRF)ના વાર્ષિક અહેવાલને ભારતે ફગાવી દીધો હતો. રીપોર્ટને પૂર્વગ્રહયુક્ત અને દેશની સંસ્કૃતિને બદનામ કરનારો ગણાવીને ભારતે જણાવ્યું હતું કે એકતામાં વિવિધતા ધરાવતા ભારત દેશની છબિ ખરડવાના બદઈરાદા સાથે આ રિપોર્ટ તૈયાર થયો છે. રિપોર્ટ તૈયાર કરનારી સંસ્થા USCIRFને જ ચિંતાજનક સંસ્થાની યાદીમાં મૂકવી જોઈએ
USCIRFના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ભારતમાં લઘુમતીની હાલત ચિંતાજનક છે અને ધાર્મિક સ્વતંત્રતા સામે જોખમ વધી રહ્યું છે.ભારતમાં સ્વતંત્રતા સતત ઘટી રહી છે અને ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવ તથા હુમલા વધી રહ્યા છે.
કમિશને અમેરિકા સરકારને ભારતના કેટલાક વ્યક્તિ અને સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવા ભલામણ કરી હતી. કમિશને નામજોગ કરેલી ભલામણોમાં રોના વિકાસ યાદવ સહિત અનેકનો સમાવેશ થાય છે. તેમના પર પર લઘુમતીઓની સ્વતંત્રતાનું હનન કરવાનો અને તેમની સંપત્તિ જપ્ત કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં અમેરિકા ખાતે ખાલિસ્તાની ગુરુપનવંતસિંઘ પન્નુની હત્યાની યોજના ઘડાઈ હતી, જેના માટે અમેરિકાએ પૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવને જવાબદાર ઠેરવ્યા હતાં.
