અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સહિતના અનેક દેશો ઉપરના ટેરિફ આવતા મહિને લાગુ થવાના હોવાથી, ઘણા અમેરિકનોના મેડિકલ ખર્ચ અને વિશેષમાં તો ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરાતી દવાઓના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ કરવાની જાહેરાત અમેરિકન માલ પર ભારતના પોતાના ટેક્સ સામે બદલો લેવાનું પગલું છે. આ તમામ સંકેતો પરથી એવું જણાય છે કે, ટ્રમ્પ હજુ પણ ભારતના કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલની અમેરિકી મુલાકાત સહિત ભારતે કરેલા સમાધાનકારી પ્રયાસોનો પ્રતિભાવ આપવાનું ટાળી રહ્યાં છે.

અમેરિકા માટે ચિંતાજનક બાબત એ પણ છે કે ભારતમાં નિર્મિત જેનેરિક દવાઓ અમેરિકામાં મોંઘી થશે, જે અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શનના 90 ટકા જેટલો હિસ્સો છે. તેના કારણે દર વર્ષે મેડિકલ ખર્ચમાં $બિલિયન્સની બચત થાય છે. રીપોર્ટ મુજબ 2022માં આવી જેનેરિક દવાઓથી થતી બચત $219 બિલિયન સુધી પહોંચી હતી. નિષ્ણાતોએ ચેતવણી પણ આપી હતી કે, સમજૂતી કરાર વગર, કેટલીક ભારતીય જેનેરિક દવાઓ ન પરવડે તેટલી હદે મોંઘી પડે તેવું બની શકે છે, જેના કારણે તેની સંભવિત અછત ઊભી થઈ શકે છે.

અમેરિકામાં હાઈ બ્લડ પ્રેશર અને માનસિક આરોગ્યની સમસ્યા જેવી બીમારીઓની સારવાર માટે 60 ટકાથી વધુ પ્રિસ્ક્રિપ્શનનો ભારતમાં નિર્મિત દવાઓ પર આધારિત હોય છે. આ પૈકીની ઘણી દવાઓની કિંમત અન્ય બ્રાન્ડ કરતાં ખૂબ જ ઓછી હોય છે. ટ્રમ્પના ટેરિફના પગલે પહેલેથી જ ચીનની આયાત મોંથી થવાના પગલે દવા માટેના કાચા માલના ખર્ચને અસર કરી રહ્યા છે, તેથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ફાઈઝર જેવી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કેટલીક દવાનું ઉત્પાદન અમેરિકામાં ખસેડી રહી છે, ત્યારે નાના જેનેરિક ઉત્પાદકોને સંઘર્ષ કરવો પડી શકે તેમ છે.

આ અંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન (IPA)ના સુદર્શન જૈને મીડિયાને જણાવ્યું હતું કે, “અમેરિકા કરતાં ભારતમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર ગણું સસ્તુ ઉત્પાદન થાય છે.”ભારતના સૌથી મોટા ઉત્પાદકોના સંગઠન-IPA દ્વારા ભારતને પરસ્પરના ટેક્સથી નકારાત્મક અસર ન થાય તે માટે અમેરિકામાં દવા નિકાસ પર શૂન્ય ડ્યૂટી (ટેક્સ)ની ભલામણ કરાઈ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments