
ઊંચા વ્યાજ દરો, સ્થિર ફુગાવો, ગ્રાહકોમાં ફફડાટ, બિઝનેસીસ પર આકરા વેરાઓ અને નેશનલ ઇન્સ્યોરંશ ચૂકવવાનું દબાણ અને દેશની પ્રતિબંધિત રાજકોષીય નીતિ મધ્યમથી લાંબા ગાળાના આર્થિક વિકાસને અવરોધી રહી છે ત્યારે યુકેના અર્થતંત્ર માટે આગામી દિવસો પડકારજનક બની રહેનાર છે. તેલ અને ગેસના ઉત્પાદન, રીટેઇલ વેચાણ અને હોસ્પિટાલીટી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર મંદીનો અનુભવ થયો છે. અંદાજ કરતાં વધુ રકમ ઉધાર લેવાના કારણે અને વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા હોવાથી સરકારને પણ અનેક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખુદ શાસક લેબર નેતાઓ પણ સરકારની નીતિના કારણે ડરી રહ્યા છે.
આવતા અઠવાડિયાથી યુકેની સેવાઓ અને ઉત્પાદનો પર ટેરિફ લાદવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની પણ યુકેની વૃદ્ધિ પર ભારે અસર પડશે. તે ફક્ત ચાન્સેલર માટે જ નહીં પરંતુ વડા પ્રધાન કેર સ્ટાર્મર માટે પણ મોટો ફટકો હશે જેઓ દેશના વિકાસને પોતાની “પ્રાથમિકતા” ગણાવી રહ્યા છે. બિઝનેસ લીડર્સે તો પહેલાથી જ સરકાર પર હુમલો કરી રહ્યા છે કે NI વધારવાના સરકારના નિર્ણયથી યુકેની આર્થિક સંભાવનાઓ વધુ ખરાબ થઈ છે.
ઘણા લોકોમાં નાણાકીય સુરક્ષાની ભાવના હોવા છતાં, નકારાત્મક આર્થિક દ્રષ્ટિકોણને કારણે ગ્રાહકોના ખર્ચના વર્તનમાં ફેરફાર થયો છે, જે ગ્રાહક વિશ્વાસમાં ઘટાડો દર્શાવે છે. નિષ્ણાતોએ તો ચેતવણી આપી છે કે લેબર પાર્ટીના ઉદાસીન રેટરિક અને કર વધારા અને ખર્ચમાં કાપ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે.
જાન્યુઆરીમાં યુકેના અર્થતંત્રમાં અણધારી રીતે 0.1%નો ઘટાડો થયો હતો. તો ટ્રેઝરી વોચડોગ, ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી, બુધવારે તેના અપડેટેડ અંદાજો પ્રકાશિત કરતી વખતે બ્રિટન માટે 2025ના વિકાસ દરનો અંદાજ અડધો કરે તેવી અપેક્ષા છે. જે સંભવિત મંદીની ચિંતાઓ ઉભી કરે છે.
સુપરમાર્કેટ ચેઇન મોરિસન્સને ખર્ચ ઘટાડવાના પગલાંના ભાગ રૂપે અસંખ્ય ઇન-સ્ટોર કેફે બંધ કરવાની અને 350થી વધુ સ્ટાફની જગ્યાઓ દૂર કરવાની યોજના જાહેર કરવી પડી હતી. આ નિર્ણય નાણાકીય તાણ અને તાજેતરની નાણાકીય નીતિઓની અસર અંગે બિઝનેસ સમુદાયની વ્યાપક ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે.
બ્રિટનની આર્થિક સંભાવનાઓના નિરાશાજનક મૂલ્યાંકનમાં, લેસ્ટર યુનિવર્સિટી ખાતે એક વ્યાખ્યાનમાં બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ ચેતવણી આપી હતી કે ‘’છેલ્લા 15 વર્ષ દરમિયાન સ્થિર રહેલી પ્રોડક્ટીવીટી નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે, અને તેનાથી જીવનધોરણના વિકાસ પર અસર પડી છે. ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકી અને વૃદ્ધ વસ્તી અર્થતંત્ર માટે મોટા ખતરાઓ ઉભા કરે છે અને દેશના સુસ્ત પ્રદર્શનનું એક પરિબળ છે. જે બ્રિટનની સંભાવનાઓને અને આર્થિક વિકાસને નુકસાન પહોંચાડશે, કારણ કે તેના પરિણામે ગ્રાહકો ઉત્પાદનો માટે વધુ ચૂકવણી કરે છે. રોજગારમાં મહિલાઓની સંખ્યામાં થતો ઘટાડો દેશને તકલીફ આપશે.’’
શ્રી બેઈલીએ કહ્યું હતું કે ‘’સરકાર આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટ જેવી પરિવર્તનશીલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર અર્થતંત્રમાં નવીનતા લાવી શકે છે. AI સમય જતાં વૃદ્ધિ દર અને માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકે છે.”
તેમના મતે વડા પ્રધાન સર કેર સ્ટાર્મર અને ચાન્સેલર રેચલ રીવ્સ વૃદ્ધિ સામે ‘મજબૂત અવરોધો’નો સામનો કરી રહ્યા છે.
સરકાત યુએસની 25 ટકા સુધીની “પરસ્પર” ટેરિફ ટાળવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આર્થિક સોદો કરવા પણ દોડધામ કરી રહી છે. જે અંતર્ગત સરકાર યુએસ ટેક કંપનીઓ પર વાર્ષિક £800 મિલિયનનો ટેક્સ ઘટાડવા માટે તૈયાર છે. આવા પગલાઓની આર્થિક વૃદ્ધિ પર નોંધપાત્ર અસર પડશે.
ચાન્સેલર રેચલ રીવ્સ, બ્રિટનના વિકાસની આગાહીમાં નોંધપાત્ર ઘટાડો થયા પછી, તેમના સ્પ્રિગ સ્ટેટમેન્ટમાં ડીસેબીલીટી અને સીકનેસ બેનીફીટમાંથી £5 બિલિયનની બચત સહિત સરકારી સંચાલન અને જાહેર ખર્ચમાં લગભગ £15 બિલિયનના ઘટાડાની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના કારણે બે મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થશે. તો ગયા વર્ષ કરતાં લગભગ £10 બિલિયનનો સરકારનો મુખ્ય ભાગ નાશ પામ્યો છે. ચાન્સેલરની નજર કોવિડ-19 પછી વધતા જતા સિવિલ સર્વિસીસના ખર્ચાઓ પર છે. જેને કારણે તેઓ આ સંસદના અંત સુધીમાં સિવિલ સર્વિસ નોકરીઓમાં 10,000નો ઘટાડો કરવાનું જાહેર કરે તેમ છે.
ચાન્સેલરે ગયા ઓટમ સ્ટેટમેન્ટમાં નેશનલ ઇન્સ્યોરંશમાં £25 બિલિયનના વધારા સહિત £40 બિલિયનની ટેક્સ રેઇડ કરી હતી. જે કારણે હવે તેઓ નવા ટેક્સ પણ લાદી શકે તેમ નથી. આવા તબક્કે રેચલ રીવ્સ પાસે હિસાબોને સંતુલિત કરવા માટે સરકારી વિભાગોમાં વધુ ખર્ચ કાપ કરવો પડશે એ ચોક્કસ છે.
રીવ્સ અને વેલ્ફેર સેક્રેટરી લિઝ કેન્ડલે ગયા અઠવાડિયે જ બેનિફિટ્સ બિલમાં £5 બિલિયનનો કાપ મૂક્યો હતો. તો £65 બિલિયનના હેલ્થ એન્ડ ડીસેબીલીટી બિલની રકમ આગામી ચાર વર્ષમાં £100 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
તાજેતરમાં યોર્ક સેન્ટ્રલના લેબર સાંસદ, રશેલ માસ્કલે, ટાઇમ્સ રેડિયોને કહ્યું હતું કે “મને લાગે છે કે આપણે હાલમાં કઠોરતાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, કેમ કે આપણે ગરીબમાં ગરીબને ટેકો આપી શકતા નથી. મારું માનવું છે, તે હંમેશા લેબરની જવાબદારી છે. તેથી જ હું કહીશ કે નાણાકીય નિયમો નૈતિક હેતુ સાથે આવવા જોઈએ.”
એલોઆ અને ગ્રેન્જમાઉથના લેબર સાંસદ બ્રાયન લીશમેને પણ કહ્યું હતું કે “જો આપણે વેલ્ફેરના આટલા બધા પૈસા કાપવાના છીએ, તો આપણે એવો દાવો કરી શકીએ નહિં કે લેબર સરકારમાં કોઈ કરકસર કરાતી નથી.”
KPMG દ્વારા કરવામાં આવેલો તાજેતરનો સર્વે દર્શાવે છે કે ‘’58% બ્રિટનવાસીઓ માને છે કે અર્થતંત્ર બગડી રહ્યું છે અને ખોટી દિશામાં જઈ રહ્યું છે. આ લોકોએ ફેબ્રુઆરીના અંત સુધીના ત્રણ મહિનામાં બ્રિટનની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થતી હોવાનું અનુભવ્યું હતું. જે નવેમ્બરમાં થયેલા આવા જ સર્વેમાં જવાબ આપનારા લોકો કરતા 15 ટકા વધુ છે. 43% લોકોએ તેમના ખર્ચમાં ઘટાડો કરીને અને તેમની ખરીદીની આદતો બદલી સાવચેતી વર્તી હતી. 29% લોકોએ કહ્યું છે કે તેઓ મોટી વસ્તુઓની ખરીદી મુલતવી રાખી રહ્યા છે. આ માહોલ દેશને વધુ આર્થિક મંદી તરફ લઇ જશે. વ્યક્તિગત નાણાકીય બાબતો અંગે અસુરક્ષિત અનુભવતા લોકોની સંખ્યા 21% થી વધીને 24% થઈ ગઈ છે. 2% લોકોએ તો કહ્યું હતું કે તેઓ બિલ ચૂકવવા માટે દેવું કરી રહ્યા છે.
KPMG UK સ્થિત હેડ ઓફ કન્ઝ્યુમર્સ, રીટેલ એન્ડ લેઝર લિન્ડા એલેટે જણાવ્યું હતું કે અર્થતંત્ર પ્રત્યે વધતી જતી ગભરાટ કેટલાક ઘરોને તેમના ખર્ચમાં ઘટાડો કરવા તરફ દોરી રહી છે, ભલે તેઓ હાલમાં સુરક્ષિત નાણાકીય સ્થિતિમાં હોય. સાવધ ગ્રાહકો ચોક્કસપણે બગડતી અર્થવ્યવસ્થાની સંભવિત અસર માટે તૈયારી કરી રહ્યા છે.
આ અગાઉ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) એ એક અહેવાલમાં આગાહી કરી હતી કે યુકે G7 દેશોના જૂથમાં સૌથી ધીમી ગતિએ વિકસતું અર્થતંત્ર બનશે અને જર્મની પછી આ વર્ષે બીજા ક્રમનું સૌથી ખરાબ અર્થતંત્ર બનશે. OECD એ ચાલુ વર્ષ માટે યુકેની વૃદ્ધિની આગાહી ઘટાડીને 0.4% અને આગામી વર્ષ માટે 1% સુધી કરી હતી.
સરકાર મતદારો, નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ બાબતો પાછળ વધુ પૈસા ખરચવા માંગે છે પણ જો સરકાર આ વખતે નિષ્ફળ જશે તો આગામી ચૂંટણીઓમાં તેમની પાસે મતદાતોને આપવા માટે કોઇ વચન રહેશે નહિં. સરકારના આ નિર્ણયો જ લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે.
