ટ્રમ્પ વહીવટીતંત્રે તમામ મોરચે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે જંગ ચાલુ કર્યો છે ત્યારે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) માત્ર ગ્રીનકાર્ડ માટે લગ્ન કરતાં લોકોને નવી વોર્નિંગ આપી છે અને આવા લગ્નોને એક ફ્રોડ ગણાવીને દેશનિકાલ કરવાની પણ ધમકી આપી છે.
USCISએ જણાવ્યું હતું કે મેરેજ ફ્રોડ આપણી ઇમિગ્રેશન સિસ્ટમની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. ફક્ત ઇમિગ્રેશન લાભો મેળવવા માટે લગ્ન કરવા એક ગુનો છે અને તેના કારણે દેશનિકાલ, ધરપકડ અને ભારે દંડ થઈ શકે છે. USCISએ મેરેજ ફ્રોડ અને ઇમિગ્રેશન બેનિફિટ પ્રોગ્રામનો દુરુપયોગની જાણ કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે. લગ્ન છેતરપિંડીમાં સંડોવાયેલા લોકોને ઘણા વર્ષોની જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે. ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ, 1986 હેઠળ આ પ્રકારના ગુનામાં કસૂરવાર ઠરેલા વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલરનો દંડ થઈ શકે છે.
અમેરિકન સિટીઝન સાથે લગ્ન કરનારાને શરૂઆતમાં બે વર્ષનું શરતી ગ્રીન કાર્ડ મળતું હોય છે અને પછી કાયમી ગ્રીન કાર્ડ મળતું હોય છે. તેઓ પાંચ વર્ષમાં સિટીઝનશિપ માટે પણ અરજી કરી શકે છે. કાયદાની આ જોગવાઈનો લાભ લેવા માટે ઘણા ઇમિગ્રન્ટે 50 હજારથી એક લાખ ડોલર ચુકવીને કોન્ટ્રાક્ટ મેરેજ કરતાં હોય છે. અમેરિકાની સિટીઝનશિપ મેળવવાનો આ એક સરળ રસ્તો હોવાથી એક સમયે તો તેના માટે એક લાખ ડોલર જેટલો પણ ભાવ બોલાતો હતો.
