
2018માં લીડરશીપ એજ્યુકેશન અને ઇન્ટર-ફેથ કોહેઝન માટે OBE મેળવનાર ફેઇથ ઇન લીડરશીપના સ્થાપક-નિર્દેશક લોર્ડ ક્રિશ રાવલે તાજેતરમાં જ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું.
પીએમ કેર સ્ટાર્મર દ્વારા પીયરેજ માટે નોમિનેટ કરાયેલા લેબર પાર્ટીના ડાયસ્પોરા જૂથ, લેબર ઇન્ડિયન્સના અધ્યક્ષ લોર્ડ ક્રિશ રાવલે લોર્ડ્ઝમાં જણાવ્યું હતું કે ‘’હું આ તબક્કે સૌનો આભારી છું. મારા માતાપિતા, સુરેશ અને પદ્મા 1970ના દાયકામાં બ્રિટન આવ્યા હતા અને કૌટુંબિક બિઝનેસ ચલાવતા હતા. 30 વર્ષની દડમજલ દરમિયાન રોજેરોજની લાંબી મુસાફરી અને દસ કલાકની શિફ્ટ – છતાં મમ્મી દરરોજ રાત્રે તાજું ગુજરાતી ભોજન રાંધતી. આ પ્રકારનું બલિદાન ફક્ત પરિવારોને ટકાવી રાખતું નથી; તે રાષ્ટ્રોનું નિર્માણ કરે છે. તો મારા દાદા મણીશંકર રાવલ પંદર વર્ષની ઉંમરે રસોઈયાના સહાયક તરીકે ભારત છોડીને ગયા હતા. તેમણે અકલ્પનીય મુશ્કેલીઓ સહન કરીને એક મોટા એક્સપોર્ટ બિઝનેસનના જનરલ મેનેજર બન્યા હતા.’’
તેમણે કહ્યું હતુ કે ‘’અહીં યુકેમાં, આર્થિક તક વૈશ્વિક ગતિશીલતા દ્વારા આકાર પામે છે. લેબર ઇન્ડિયન્સના અધ્યક્ષ તરીકે હું નોંધું છું કે લગભગ એક સદી પહેલા મારા દાદાની પ્રથમ સફરથી લઇને આજે ભારત, એક આર્થિક અને સાંસ્કૃતિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. યુકે સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, આબોહવાનું લક્ષ્ય અને વિકાસ માટે ચાવીરૂપ છે. હું એક નવા સિલ્ક રોડ માટે ઉભો છું – જે ભારતને મધ્ય પૂર્વ સાથે જોડે છે અને ખંડીય યુરોપથી આગળ યુકે સુધી વિસ્તરે છે. શ્રદ્ધા અને ધર્મ પણ એકતા માટે ચાવીરૂપ છે. મારી પોતાની રાજકીય જાગૃતિ હર્ટ્સમેરમાં હિન્દુ મંદિર – ભક્તિવેદાંત મેનોરના બળજબરીથી બંધ કરવા માટેના લડાઇને પગલે આવી હતી. જેના કારણે મને અન્ય અત્યાચારનો ભોગ બનેલ લઘુમતીઓ પરત્વેનો આજીવન લગાવ મળ્યો હતો.’’
તેમણે કહ્યું હતું કે ‘’૧૬ વર્ષની ઉંમરે, તે અન્યાયને કારણે હું લેબરમાં જોડાયો હતો અને આજે હર્ટ્સમીયરના લોર્ડ રાવલ તરીકે મારી પત્ની લ્યુસી અને પુત્રીઓ, લક્ષ્મી અને સીતા સાથે ઊભો રહેવું કેટલું અસાધારણ છે. ૨૦૦૭માં, મેં ફેઇથ ઇન લીડરશીપની સ્થાપના કરી હતી. આજે સમુદાયોની સેવા કરવા માટે ધાર્મિક નેતાઓને સજ્જ કરીએ છીએ. આ સમુદાયો કોવિડ-19 અને અન્ય કટોકટી દરમિયાન કાર્યવાહીનું સંકલન કરવા સુધીના મહત્વપૂર્ણ કાર્યનું નેતૃત્વ કરે છે. બે વર્ષ પહેલાં, મેં પ્રધાનમંત્રી સ્ટાર્મર વિપક્ષમાં હતા ત્યારે તેમની અધ્યક્ષતામાં ધાર્મિક નેતાઓ સાથે બેઠક કરી હતી. ધાર્મિક બહુલતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અડગ છે અને તેમના સમર્પણ માટે આભાર માનું છું.’’
લોર્ડ રાવલે કહ્યું હતું કે ‘’પંડિત શ્રીરામ શર્મા આચાર્યના ઉપદેશોએ મારા પરિવાર સહિત વિશ્વભરમાં લાખો લોકોને આકાર આપ્યો છે. હરિદ્વારનો તેમનો આશ્રમ – શાબ્દિક રીતે સર્વશક્તિમાનનો દરવાજો છે અને તેમણે શીખવ્યું છે કે “આપણું વિશ્વ એક જ પરિવાર છે.”
