(Photo BY PHILIPPE LOPEZ/AFP via Getty Images)

સ્વ. અભિનેત્રી શ્રીદેવીની અંતિમ ફિલ્મ ‘મોમ’ની સિક્વલ બનાવવની જાહેરાત તેમના નિર્માતા પતિ બોની કપૂરે કરી છે. તાજેતરમાં એક સમારંભ દરમિયાન બોનીએ ‘મોમ’ની સિક્વલની પોતાની ઇચ્છા જાહેર કરી છે. તેઓ આ ફિલ્મ દીકરી ખુશી કપૂરને લઇને બનાવશે.

આ અંગે મીડિયા સાથે વાત કરતા બોની કપૂરે કહ્યું, “મેં ખુશીની બધી જ ફિલ્મ જોઈ છે, ‘ધ આર્ચિઝ’, ‘નાદાનિયાં’ અને ‘લવયાપા’. હું ‘નો એન્ટ્રી’નું કામ પૂરું કર્યા પછી ખુશી સાથે એક ફિલ્મ કરવા વિચારું છું. આ ફિલ્મ ખુશી સાથે હશે, એ ‘મોમ 2’ પણ હોઈ શકે છે.

તે તેની માના પગલે ચાલવાની કોશિશ કરે છે. તેની માતાએ જે પણ ભાષાની ફિલ્મમાં કામ કર્યું તેમાં તે ટોપ સ્ટાર રહી છે. હું આશા રાખું કે જ્હાન્વી અને ખુશી પણ એટલી જ પરફેક્ટ બને અને એ જ સ્તરની સફળતા મેળવે.” બોની કપૂરે આ રીતે બંને પુત્રીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને બંનેની મહેનતને પણ વખાણી હતી.

શ્રીદેવીની ‘મોમ’ 2017માં આવી હતી. રવિ ઉદયવર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રીદેવીએ માતાની મજબુત ભૂમિકા ભજવી હતી. જેમાં એક માતા પોતાની પુત્રી સાથે થયેલા અન્યાયનો બદલો લે છે. આ ફિલ્મમાં શ્રીદેવીના અભિનયના ઘણા વખાણ થયા હતા અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. અંતિમ ફિલ્મ હોવાને કારણે આ ફિલ્મ શ્રીદેવી માટે શ્રદ્ધાંજલિ પ્રકારની ફિલ્મ બની ગઈ હતી.

LEAVE A REPLY