યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો અટકી પડી છે ત્યારે ઇઝરાયેલે મંગળવારે ગાઝામાં કરેલા ભીષણ હુમલામાં ઓછામાં ઓછા 413 લોકોના મોત થયા હતાં. 19 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાનો યુદ્ધવિરામ અમલી બન્યા પછી ગાઝામાં ઇઝરાયેલા આ સૌથી ભીષણ હુમલા હતાં.
ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે રમઝાન મહિના દરમિયાન થયેલા હવાઈ હુમલાઓમાં મોટાભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માર્યા ગયા હતાં અને લગભગ 150 ઘાયલ થયા હતા. ઉત્તરી ગાઝા, ગાઝા સિટી અને મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં દેઇર અલ-બલાહ, ખાન યુનિસ અને રફાહ સહિત અનેક સ્થળોએ ભયંકર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતાં.ગાઝા શહેર પર થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં હમાસની પોલીસ અને આંતરિક સુરક્ષા સેવાઓના વડા મહમૂદ અબુ વત્ફાનું પણ મોત થયું હોવાનું માનવામાં આવે છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી સંગઠનના આતંકવાદી લક્ષ્યો પર વ્યાપક હુમલાઓ કરી રહ્યું છે.ઇઝરાયલે ગાઝાના પડોશી પ્રદેશોની નજીકની બધી શાળાઓ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો હતો.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે “હમાસ દ્વારા અમારા બંધકોને મુક્ત કરવાનો વારંવાર ઇનકાર, તેમજ યુએસ પ્રેસિડન્ટના રાજદૂત સ્ટીવ વિટકોફ અને મધ્યસ્થીઓ તરફથી મળેલા તમામ પ્રસ્તાવોને નકારી કાઢવામાં આવ્યા બાદ હુમલાઓનો આદેશ આપવામાં આવ્યો હતો.
