આશરે નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી બુધવાર 19 માર્ચે ધરતી પર પરત આવી રહેલા નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
મોદીએ 1 માર્ચે આ પત્ર લખ્યો હતો અને તે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી માઇક માસિમોનો દ્વારા મોકલવામાં આવ્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહએ X પર પર આ પત્ર મંગળવારે શેર કર્યો હતો.
પત્રમાં મોદીએ જણાવ્યું હતું કે તમે હજારો માઇલ દૂર હોવા છતાં, તમે અમારા હૃદયની નજીક રહો છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનમાં સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમારા પાછા ફર્યા પછી, અમે તમને ભારતમાં જોવા માટે આતુર છીએ. ભારતની સૌથી પ્રતિષ્ઠિત પુત્રીઓમાંની એક પુત્રીને ભારતમાં આવકારવાનો આનંદ મળશે.
મોદીએ 2016માં અમેરિકાની મુલાકાત દરમિયાન વિલિયમ્સ અને તેમના સ્વર્ગસ્થ પિતા દીપક પંડ્યા સાથેની મુલાકાતને યાદ કરી કરીને લખ્યું હતું કે વિલિયમ્સની માતા બોની પંડ્યા તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હશે અને તેમને ખાતરી હતી કે “દીપકભાઈ”ના આશીર્વાદ પણ તેમની સાથે રહેશે. પ્રધાનમંત્રીએ વિલિયમ્સના પતિ માઈકલ વિલિયમ્સને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું હતું કે તેઓ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં માસિમિનોને મળ્યા હતાં અને વાતચીત દરમિયાન વિલિયમ્સનું નામ સામે આવ્યું હતું.અમે ચર્ચા કરી હતી કે અમને તમારા અને તમારા કાર્ય પર કેટલો ગર્વ છે. આ વાતચીત પછી હું તમને પત્ર લખવાથી મારી જાતને રોકી શક્યો નહીં.
વડા પ્રધાને કહ્યું હતું કે તેમણે અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુરોગામી જો બાઇડનને મળ્યા ત્યારે વિલિયમ્સની તબિયત વિશે પૂછપરછ કરી હતી.૧.૪ અબજ ભારતીયોએ હંમેશા વિલિયમ્સની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ અનુભવ્યો છે. .તાજેતરની ગતિવિધિએ ફરી એકવાર તમારી પ્રેરણાદાયી ધીરજ અને ખંતનું પ્રદર્શન કર્યું છે.
