નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આશરે નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી બુધવાર, 19 માર્ચની સવારે ધરતી પર પરત આવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના સુનીતા વિલિયમ્સના પૈતૃક ગામના રહેવાસીઓ તેમને ધરતી પર આવકારવા માટે દિવાળીના ઉત્સવ જેવી તૈયારી કરી રહ્યાં છે. ગામના લોકોના સુનીતાના સુરક્ષિત પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
વિલિયમ્સના પિતા દીપક પંડ્યાના પૂર્વજોના ઘર તરીકે જાણીતું ઝુલાસણ ગામ ઉત્સાહથી જીવંત બન્યું છે. ગ્રામજનો તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે, ઘણા લોકોએ ખાસ પ્રાર્થના કરી છે અને દેવી ડોલા માતાના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી છે.
વિલિયમ્સના પિતરાઈ ભાઈ નવીન પંડ્યાના જણાવ્યા અનુસાર, તેમના માનમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે, જેથી દિવાળી અને હોળી જેવું ઉત્સવપૂર્ણ વાતાવરણ સર્જાય. ગામલોકો ભવિષ્યમાં સુનીતાને તેમના પૈતૃક ગામમાં આમંત્રણ આપવા આતુર છે.
નવીન પંડ્યાએ જણાવ્યું હતું કે અમે સુનીતા વિલિયમ્સના ફોટા સાથે એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને મંદિરમાં ધૂન કરીશું. અમે તેમની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને અખંડ જ્યોત પ્રગટાવી છે. બુધવારે સુનીતાની વાપસી પછી દેવી ડોલા માતાને અખંડ જ્યોત અર્પણ કરવામાં આવશે.
સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા મૂળ ઝુલાસણના વતની છે. તેમણે 1957માં અમેરિકા સ્થળાંતર કર્યું હતું.
