બોલીવૂડમાં ઘણા ફિલ્મકારો માને છે કે ફિલ્મનું નામ બદલવાથી દર્શકોની ઉત્સુકતામાં વધારો થાય છે. બોલીવૂડમાં નિર્મિત એવી ઘણી હિન્દી ફિલ્મો છે જેનાં નામ રીલિઝ પહેલાં વિવાદથી બચવા અથવા તો લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે બદલવામાં આવ્યાં હતા. કેટલાક સંગઠનોએ ફિલ્મનાં નામનો વિરોધ કરતાં હોવાથી પણ નિર્માતાઓને તેને બદલવાની ફરજ પડી હતી.
રેમ્બો રાજકુમારનું આર. રાજકુમાર
શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહાની આ ફિલ્મમાં પણ નામ બદલવું પડ્યું હતું. આ ફિલ્મનું નામ પહેલા રેમ્બો રાજકુમાર રાખવામાં આવ્યું હતું પરંતુ રેમ્બો સીરિઝના નિર્માતાઓએ ફિલ્મના નિર્માતાને નોટીસ આપતાં તેનું નામ બદલી આર. રાજકુમાર કરવામાં આવ્યું હતું.
રુહ અફ્ઝા અને રુહી અફઝાનાનું રુહી
રુહી ફિલ્મનું નામ ચાર વખત બદલવામાં આવ્યું હતું. પહેલા આ ફિલ્મનું નામ રુહ અફ્ઝા રાખવામાં આવ્યું હતું. પરંતુ એવરેજ બ્રાન્ડ દ્વારા કોપીરાઇટના મુદ્દે ફિલ્મનું નામ બદલીને રુહી અફઝાના કરવામાં આવ્યું હતું. આ પછી પણ બદલાવીને અંતે રુહી કરવામાં આવ્યું હતું.
લક્ષ્મી બોમ્બનું લક્ષ્મી
અક્ષયકુમાર અભિનિત આ ફિલ્મના નિર્માતાઓને ઘણા હિંદુ સંગઠનોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી ફિલ્મના નિર્માતાએ નામ બદલવાનો નિર્ણય લીધો હતો. ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી આ ફિલ્મ પહેલા થીયેટરમાં પ્રદર્શિત કરવામાં આવવાની હતી. દક્ષિણ ભારતના સંગઠન હિંદુ સેનાએ ભારત સરકારના તત્કાલિન સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવેડકરને પત્ર લખીને એ બાબત પર ભાર મુક્યો હતો કે આ સંગઠનના લોકો, આ ફિલ્મનો દેશભરમાં બહિષ્કાર કરશે. ત્યારે તેમની દલીલ હતી કે, ફિલ્મનું નામ દેવીના પ્રતિ અનાદર દર્શાવે છે.
બિલ્લુ બાર્બરનું બિલ્લુ
આ ફિલ્મનું નામ રીલિઝ પહેલા બિલ્લુ બાર્બર રાખવામાં આવ્યું હતું. પરંતુ બાર્બર સમુદાયે આ નામ તેમની ભાવનાઓને ઠેસ પહોચાડતું હોવાનું કહી વિરોધ કર્યો હતો. પરિણામે આ ફિલ્મનું નામ બિલ્લુ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ઇરફાન એક ગરીબ બાર્બરના રોલમાં છે, જેને એનો સુપરસ્ટાર દોસ્ત શાહરૂખ ખાન મળવા જાય છે.
પદ્માવતીનું પદ્માવત
જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની આ બહુચર્ચિત ફિલ્મનું નામ રિલીઝ પહેલા પદમાવતી હતું, જેનો રાજસ્થાનની કરણી સેનાએ સખત વિરોધ કર્યો હતો. જયપુરમાં તો તેમણે ફિલ્મના સેટમાં તોડફોડ કરી હતી અને બીજી વખત દીપિકા પદુકોણને મારપીટની ધમકી આપી હતી. પરિણામે ભણશાલીએ આ ફિલ્મનું નામ પદ્માવત કરવું પડ્યું હતું.
મેન્ટલનું જજમેન્ટલ હૈ ક્યા
રાજકુમાર રાવ અને કંગનાની આ ફિલ્મનું નામ પહેલા મેન્ટલ હતું. પરંતુ થોડા થેરપિસ્ટો અને સંગઠને ફિલ્મસર્જકને નામ બદલવા માટે વિનંતી કરી હતી. રાજકુમાર રાવે તેમની ભાવનાઓનું સમ્માન કરીને ફિલ્મનું નામ બદલ્યું હતું.
રામલીલા બદલીને ગોલીયોં કી રાસલીલા-રામલીલા
આ ફિલ્મના વિરુદ્ધ કોર્ટમાં એક પીટિશન કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. રામલીલા શબ્દ ભગવાન રામ સાથે જોડાયેલો હોવાથી તેમની લાગણીને ઠેસ પહોંચી હતી.
યે આ ગયે હમ કહાંનું વીર ઝારા
યશ ચોપરાએ પોતાની ફિલ્મનું નામ પહેલા યે આ ગયે હમ કહાં રાખ્યું હતું. પછીથી તેને જણાયું હતું કે ફિલ્મની કહાની મુજબ વીર ઝારા નામ વધુ યોગ્ય રહેશે. જોકે આ નામ પર કોઇ વિરોધ થયો નહોતો. ફક્ત દર્શકોને આકર્ષિત કરવા માટે જ ફેરફાર કરવામાં આવ્યો હતો.
મેન્ટલનું બદલીને જય હો
સલમાન ખાનની આ ફિલ્મનું નામ પણ અગાઉ મેન્ટલ રાખવામાં આવ્યું હતું. પરંતુ પછી તેને બદલીને જય હો રાખવામાં આવ્યું હતું.
સત્યનારાયણ કી કથા થી સત્યપ્રેમ કી કથા
નિર્માતા દ્વારા સત્યનારાયણ કી કથા ફિલ્મ બનાવવાની જાહેરાત પછી વિવાદ થયો હતો. પરિણામે નામને બદલીને સત્યપ્રેમ કી કથા કરવામાં આવ્યું હતું.
પૃથ્વીરાજનું સમ્રાટ પૃથ્વીરાજ
અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજના નામનો રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે પૃથ્વીરાજ મહાન ભારતીય સમ્રાટ હતા અને ફિલ્મનું પૃથ્વીરાજ નામ તેમના અપનામ સમાન છે. પરિણામે નિમાતાઓએ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કર્યું હતું.
લવરાત્રીનું લવયાત્રી
2018માં રીલિઝ થયેલી આયુષ શર્માની ફિલ્મ નવરાત્રિના દિવસો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવવાની હતી. તેથી ફિલ્મના લવરાત્રિ નામ પર વિશ્વ હિંદુ પરિષદે આ નામ હિન્દુ તહેવાર નવરાત્રિના અર્થને વિકૃત કરતો હોવાનો ભાર મુક્યો હતો. તેથી તેનું નામ બદલીને લવયાત્રિ કર્યું હતું.
જાફનાનું મદ્રાસ કેફે
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પર આધારિત જોન અબ્રાહમની ફિલ્મનું નામ જાફના રાખવામાં આવ્યું હતું. જાફના નામ શ્રીલંકાના એક શહેર પરથી રાખવામાં આવ્યું હતું. પરંતુ પડોશી દેશના દબાવના કારણે આ ફિલ્મનું નામ બદલીને મદ્રાસ કેફે રાખવામાં આવ્યું હતું.
