FILE PHOTO REUTERS/Stringer

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં શંકાસ્પદ બલુચ બળવાખોરોએ રવિવારે કરેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા પાંચ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા અને એક ડઝનથી વધુ ઘાયલ થયાં હતા. જોકે આ હુમલામાં પાકિસ્તાન આર્મીના આશરે 90 સૈનિકોના મોત થયા હોવાનો બલૂચ બળવાખોરોએ દાવો કર્યો હતો. પ્રાંતના નોશકી જિલ્લામાં પાકિસ્તાન આર્મીની વળતી કાર્યવાહીમાં આત્મઘાતી બોમ્બર સહિત ચાર બળવાખોરોના મોત થયાં હતાં.
આ હુમલાની જવાબદારી સ્વીકારીને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન મિલિટરીના કાફલા પર હુમલો કર્યો હતો. આ કાફલામાં આઠ બસો હતો. તેમાંથી એક બસનો સંપૂર્ણ નાશ થયા હતા. આ વિસ્ફોટમાં કુલ 90 સૈનિકોના મોત થયા હતાં.

સ્થાનિક પોલીસ સ્ટેશનના વડા ઝફરઉલ્લાહ સુમાલાનીએ જણાવ્યું હતું કે નુશ્કી-દાલબંદીન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ (FC)ના કાફલા સાથે અથડાવ્યું હતું. પ્રારંભિક તપાસમાં મુજબ તે એક આત્મઘાતી હુમલો હતો. હુમલાના સ્થળેથી મળેલા પુરાવામાં સંકેત મળ્યો હતો કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન FC કાફલામાં ઘુસાડ્યું હતું.આ હુમલો પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના બળવાખોરોએ કર્યો હતો.

વડાપ્રધાન શાહબાઝ શરીફ, ગૃહપ્રધાન મોહસીન નકવી અને બલૂચિસ્તાનના મુખ્યપ્રધાન સરફરાઝ બુગતીએ આ હુમલાની નિંદા કરી હતી અને જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. શરીફે એક નિવેદનમાં કહ્યું હતું કે “આવા કાયર કૃત્યો આતંકવાદ સામેના આપણા સંકલ્પને ડગાવી શકતા નથી.”

છેલ્લા એક વર્ષમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાન આર્મી પરના હુમલાઓમાં વધારો થયો છે. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલું બલુચિસ્તાન લાંબા સમયથી ચાલતું હિંસક બળવાખોરીનું કેન્દ્ર બન્યું છે. તેલ અને ખનિજ સમૃદ્ધ આ પ્રાંતમાં બલૂચ બળવાખોર જૂથો વારંવાર સુરક્ષા કર્મચારીઓ, સરકારી પ્રોજેક્ટ્સ અને 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને હુમલા કરે છે.

ગયા અઠવાડિયે આ જ પ્રાંતમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ 11 માર્ચે બોલાન જિલ્લાના ગુડાલર અને પીરુ કુનરીના પર્વતીય પ્રદેશ નજીક 440 મુસાફરોને લઈને જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો હતો. 12 માર્ચે સેનાએ તમામ 33 બળવાખોરોને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો હતો. આ હુમલામાં 21 મુસાફરો અને ચાર અર્ધલશ્કરી સૈનિકોના પણ મોત થયા હતાં.

LEAVE A REPLY