
અમૃતસરમાં શુક્રવારની મધરાતે ઠાકુરદ્વાર મંદિરની બહાર વિસ્ફોટ થતાં ગભરાટ ફેલાયો હતો. મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરે વિસ્ફોટક સામગ્રી ફેંકતા મંદિરની દિવાલને નુકસાન થયું હતું અને બારીઓના કાચ તૂટી ગયાં હતાં. આ હુમલામાં કોઇ જાનહાનિ થઈ ન હતી અને કોઇને ઇજા પણ થઈ ન હતી.
પોલીસે શનિવારે જણાવ્યું હતું કે તેને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકવાદી જૂથ સાથે જોડાયેલા નાર્કો-ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, અને બિહારમાં ત્રણ મુખ્ય ઓપરેટર્સની ધરપકડ કરી છે. આરોપીઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
પંજાબ પોલીસે મંદર પરના હુમલામાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની સંડોવણીની આશંકા વ્યક્ત કરીને બિહારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા ચાર મહિનામાં અમૃતસર અને ગુરદાસપુરમાં પોલીસ ચોકીઓને નિશાન બનાવીને વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે, પરંતુ મંદિર પર આ પ્રકારનો આ પહેલો હુમલો છે. વિરોધ પક્ષોએ આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પતનનો આ વધુ એક પુરાવો છે.
