અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના ઘણા દેશો સાથે ટેરિફ વોર ચાલુ કર્યા પછી હવે 41 દેશોના નાગરિકો માટે અમેરિકામાં ત્રિસ્તરીય ટ્રાવેલ નિયંત્રણોને આખરી ઓપ આપી રહ્યું છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં મુસ્લિમ દેશોના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો હતો અને તેનાથી વિશ્વભરમાં આકરી ટીકા થઈ હતી.

41 દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણો મૂકવા માટે રેડ, ઓરેન્જ અને યલો એમ ત્રણ યાદી તૈયાર થઈ રહી છે. રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ આવશે. 11 દેશોના રેડ લિસ્ટમાં અફઘાનિસ્તાન અને આશ્ચર્યજનક રીતે ભૂતાનના નામ છે. સૂચિત ત્રણ યાદીમાં ભારત કે ચીનનું નામ નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્તોને હજુ અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે અને કોઇ અંતિમ નિર્ણય કરાયો નથી. જોકે આનાથી સંભવિત ઇમિગ્રન્ટ્સ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

રેડ લિસ્ટમાં સામેલ બીજા દેશોમાં ક્યુબા, ઈરાન, લિબિયા, ઉત્તર કોરિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, વેનેઝુએલા અને યમનનો સમાવેશ થાય છે. આ દેશના નાગરિકો માટે અમેરિકાના દ્વાર બંધ થશે.

ઓરેન્જ લિસ્ટમાં રશિયા, પાકિસ્તાન અને મ્યાનમાર સહિત 10 દેશોનો સમાવેશ થાય છે. આ યાદીમાં સામેલ દેશોના નાગરિકોનો અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાગું પડે પરંતુ તેમના પર નિયંત્રણો આવશે. આ દેશોના નાગરિકોને ફક્ત અમુક પ્રકારના ટૂંકા ગાળાના નોન-ઇમિગ્રન્ટ વિઝા જ મળશે અને તે માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ફરજિયાત બનશે.

20 દેશોની ત્રીજા યલો લિસ્ટમાં મોટાભાગે આફ્રિકા અને કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે. આ દેશોને ચકાસણી અથવા સુરક્ષા ખામીઓને દૂર કરવા માટે 60 દિવસનો સમય મળશે. જો આ સમયગાળામાં સુરક્ષા ખામીઓ દૂર નહીં કરે તો આ દેશોને ઓરેન્જ કે રેડ લિસ્ટમાં સામેલ કરાશે.

LEAVE A REPLY