બલુચિસ્તાન ટ્રેન હુમલા પછી પાકિસ્તાને ભારત પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો હતો.આ આક્ષેપનો વળતો જવાબ આપતા ભારતે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે પોતાની નિષ્ફળતાઓ માટે બીજાઓ પર દોષારોપણ કરતા પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઇએ. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે.
ગુરુવારે પાકિસ્તાને ભારત પર આતંકવાદને પ્રાયોજિત કરવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ બલુચિસ્તાન ટ્રેન હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો. પાકિસ્તાનના આક્ષેપ અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓનો દોષ બીજા પર ઢોળવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાનને સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં બલૂતિસ્તાન ટ્રેન હાઇજેકિંગના મુદ્દે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના દરમિયાન આતંકવાદીઓ અફઘાનિસ્તાન સ્થિત આયોજકો સાથે સીધા સંપર્કમાં હતા. ઇસ્લામાબાદે વારંવાર અફઘાનિસ્તાનને પાકિસ્તાન વિરુદ્ધ હુમલાઓ માટે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવા આતંકવાદી જૂથોને તેની જમીનનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.
ભૂતકાળમાં BLA કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેના માટે ભારતને દોષી ઠેરવવામાં આવતું હતું, પરંતુ જ્યારે આ વખતે અફઘાનિસ્તાન તરફ આંગળી ચીંધવામાં છે તો શું પાકિસ્તાનની નીતિમાં કોઇ ફેરફાર થયો છે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને ફરીથી, હકીકતો બદલાઈ નથી. ભારત પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સામેલ છે.ભારત તેના પડોશી દેશોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે હત્યાનું અભિયાન ચલાવી રહ્યું છે. જોકે તેમણે ભારતની સંડોવણીના કોઇ પુરાવા આપ્યા ન હતાં.
