સિંગાપોરની સોવરિન ઇન્વેસ્ટમેન્ટ કંપની ટેમાસેક ભારતની સૌથી મોટી પેક્ડ સ્નેક અને મીઠાઈ કંપની હલ્દીરામ સ્નેક્સ ફૂડમાં 10 ટકા હિસ્સો ખરીદશે. આ સોદામાં હલ્દીરામનું વેલ્યુએશન આશરે 10 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીઓ 10 અબજ ડોલર (લગભગ રૂ. 85,000 કરોડ)ના મૂલ્યાંકન પર એક નિર્ણાયક ટર્મ શીટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, આ વેલ્યુએશન ભારતના પેક્ડ ફૂડ ઉદ્યોગ માટે સૌથી ઊંચું છે.
હલ્દીરામ સ્નેક્સ ફૂડના પ્રમોટર અગ્રવાલ પરિવાર કંપનીમાં વધુ હિસ્સો વેચવા માટે બીજા રોકાણકારને પણ લાવે તેવી શક્યતા છે. કંપની નાણાકીય વર્ષ 2023-24માં રૂ.12,500 કરોડથી વધુની આવક નોંધાવી હતી.
બ્લેકસ્ટોન, આલ્ફા વેવ ગ્લોબલ અને બેઈન કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સહિત અનેક પીઈ કંપનીઓ હલ્દીરામ સ્નેક્સ ફૂડમાં હિસ્સો ખરીદવાની રેસમાં હતી. ભારતના તેજીમાં રહેલા શેરબજારનો લાભ લેવા માટે અગ્રવાલ પરિવાર આવતા વર્ષે IPO (પ્રારંભિક જાહેર ઓફર)નો માર્ગ પણ પસંદ કરી શકે છે.
અગાઉ પ્રમોટર્સે મોટા હિસ્સાનું વેચાણ કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેમણે ફક્ત લઘુમતી હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે.આ રોકડ ભંડોળ હલ્દીરામ સ્નેક્સ ફૂડને તેની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવામાં અને સ્થાનિક તેમજ કેટલાક વિદેશી બજારોમાં તેની સફરને ઝડપી બનાવવામાં મદદ કરશે.
૧૯૩૭માં ગંગા ભીષણ અગ્રવાલ દ્વારા રાજસ્થાનના બિકાનેરમાં મીઠાઈ અને નમકીનની દુકાન તરીકે સ્થાપિત કરેલી હલ્દીરામની પ્રોડક્ટ્સ હવે વિશ્વના ૮૦થી વધુ દેશોમાં વેચાય છે.
