સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ ‘નાદાનિયાં’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના કેન્દ્રમાં યુવાનો છે, જે રોમાંસ, કોમેડી અને લાગણીસભર છે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે. શૌના ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર, દિયા મિર્ઝા, મહિમા ચૌધરી, અર્ચના પૂરણ સિંહ, સુનીલ શેટ્ટી, જુગલ હંસરાજ, અપૂર્વ માખીજા અને આલિયા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે.
શૌના ગૌતમ પણ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનમાં પદાર્પણ કરી રહી છે. શૌનાએ અગાઉ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કરણ જોહરની સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ઈબ્રાહિમ એ સૈફ અલી ખાન અને તેની પ્રથમ પત્ની અમૃતા સિંઘનું બીજું સંતાન છે. તેની મોટી બહેન સારા અલી ખાન પણ ફિલ્મોમાં સક્રિય છે.
ફિલ્મની કહાની પિયા જયસિંહ (ખુશી કપૂર) અને અર્જુન મહેતા (ઇબ્રાહિમ અલી ખાન) કેન્દ્રિત છે. ગેરસમજને કારણે, પિયા તેના મિત્રોને જૂઠું બોલે છે અને અર્જુનને તેનો રેન્ટલ બોયફ્રેન્ડ બનાવી લે છે. ધીમે ધીમે તેઓ નજીક આવે છે, પરંતુ તેમની વાર્તા આગળ શું વળાંક લે છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં કિશોરાવસ્થાનો પ્રેમ, પારિવારિક લાગણી અને આધુનિક સંબંધના વિવિધ દૃષ્ટિકોણ દર્શાવવામાં આવ્યા છે.
‘નાદાનિયાં’ પછી ઈબ્રાહિમની બીજી ફિલ્મ ‘સરઝમીન’ નિર્માણ હેઠળ છે. આ ફિલ્મમાં તે કાજોલ સાથે જોવા મળશે.
આ ફિલ્મની અન્ય ખાસ વાત એ પણ છે કે, નાદાનિયા ફિલ્મ દ્વારા એક ગાયકના પુત્રનું પણ બોલીવૂડમાં પદાર્પણ થયું છે. બોલીવૂડમાં માત્ર એક્ટિંગ કે ફિલ્મ નિર્માણ જ નહિ પરંતુ મ્યુઝિકમાં પણ સંતાનો માતા-પિતાનો વારસો અપનાવતાં હોય તેવા અનેક ઉદાહરણ છે. તેમાં હવે એક ઉમેરો થયો છે. ગાયક શાનના પુત્ર માહીએ પણ હિન્દી ફિલ્મો માટે ગીત ગાવાનું શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એક ગાયક તરીકે ખુદ શાને સૈફ અલી ખાન માટે અનેક ગીતોમાં સ્વર આપ્યો હતો. હવે તેનો પુત્ર માહી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન માટે સ્વર રહ્યો છે. ‘નાદાનિયાં’ ફિલ્મનું ‘તેરા ક્યા કરું’ ગીત માહીએ ગાયું છે. આ ગીત અભિજિત ભટ્ટાચાર્યએ લખ્યું છે અને તેનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે. આ અંગે માહીએ જણાવ્યું હતું કે પોતે નાનપણથી તેના પિતાએ સૈફ અલી ખાન માટે ગાયેલાં ગીતો સાંભળતો રહ્યો છે અને હવે પોતે સૈફના પુત્ર માટે ગીત ગાઈ રહ્યો છે તે બાબત એક સ્વપ્ન સમાન હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.
