
ગાંધીનગર જિલ્લાના પાલજમાં ગુજરાતની સૌથી મોટી 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીની જ્વાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળ્યો હતો. 700 વર્ષ જૂની પરંપરા મુજબ મહાકાળી માતાના પૂજન સાથે હોલિકા દહનના દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ‘ગામમાં મહાકાળી માતાનું મંદિર છે, માતાજીની શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર શ્રદ્ધાળુઓ ચાલે છે, પરંતુ આજદિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી નથી કે કોઈ દાઝ્યું નથી. હોળી પ્રગટાવ્યા પછી મહાકાળી મંદિરના પૂજારી અને ત્યાર બાદ ગ્રામજનો અંગારા પર ચાલે છે. 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસ દરમિયાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવે છે. ગામના યુવાનો 200થી 300 ટન લાકડાં ભેગાં કરીને ગામના પાદરે 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવા માટેની વ્યવસ્થા કરી હતી.
