ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવા માટેના સ્પેસ મિશનને ગુરુવારે ટેકનિકલ સમસ્યાને મોકૂફ રાખવામાં આવ્યું હતું. આમ ઘણા સમયથી સ્પેસમાં ફસાયેલ આ બંને અવકાશયાત્રીને પરત લાવવામાં વધુ વિલંબ થશે.
સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ મારફત ક્રૂ-10 સ્પેસ મિશન ગુરુવારે લોન્ચ થવાનું હતું. આ મિશન હેઠળ ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર નવા ચાર અવકાશયાત્રીઓ જવાના હતાં અને તેના હેઠળ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવાના હતાં. પરંતુ સ્પેસએક્સે આ મિશનને ટેકનિલક સમસ્યાને કારણે મોકૂફ રાખ્યું હતું.
મૂળરૂપે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટમાં હાઇડ્રોલિક સિસ્ટમની સમસ્યા સર્જાઈ હતી અને લોન્ચ થવાના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા તેને રદ કરાયું હતું. નાસા અને સ્પેસએક્સે ક્રૂ-10 મિશનમાં વિલંબની પુષ્ટિ કરી હતી. ડ્રેગન અવકાશયાનમાં સવાર અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને રોકેટ સુરક્ષિત રહ્યું હતું.
આ અવરોધ છતાં, સ્પેસએક્સ અને નાસાએ આશા વ્યક્ત કરી હતી કે આ મિશન આગામી બે દિવસમાં પણ લોન્ચ થઈ શકે છે. મિશન લોન્ચ કરવા માટે ગુરુવાર અને શુક્રવારે તક મળશે અને જો હાઇડ્રોલિક સમસ્યા ઉકેલાઈ જશે, તો મિશન આ અઠવાડિયાના અંતમાં લોન્ચ કરાશે.
