આર. માધવનની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં માધવન એક રેલવે ટીસીની ભૂમિકામાં છે, જેમાં સામાન્ય માણસના મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મની કહાની બેંક એકાઉન્ટ સાથે સંબંધિત છે અને આપણે તેના પર વધારે ધ્યાન આપતા નથી. આપણે પૈસા બચાવવા માટે બજારમાં દુકાનદાર સાથે ઘણી મિનિટો સુધી દલીલ કરીએ છીએ પરંતુ આપણા બેંક ખાતા સંબંધિત માહિતીને ગંભીરતાથી લેતા નથી.
આ ફિલ્મની સ્ટોરી રાધેમોહન કેન્દ્રિત છે, જે એક રેલ્વે ટિકિટ ચેકર છે અને એકાઉન્ટિંગમાં ખૂબ જ નિપૂણ છે. તે એક રૂપિયા અને પચાસ પૈસા વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે સમજે છે. યુવાનીમાં, તેણે એક છોકરી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેણીને હિસાબ બરાબર આવડતો ન હતો. આ ફિલ્મમાં તેના જીવનના તમામ પડકારો, જેમાં તેની નોકરીનો પણ સમાવેશ થાય છે, તે દર્શાવવામાં આવ્યા છે.
રાધેમોહનને એક બેંકમાં કૌભાંડ વિશે ખબર પડે છે ત્યારે કહાનીમાં એક વળાંક આવે છે. ખાસ વાત એ છે કે નાની રકમના આવા કૌભાંડો પર કોઈ ધ્યાન આપતું નથી. એક દિવસ જ્યારે તે પોતાના બેંક ખાતાની પાસબુક તપાસે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેના ખાતામાંથી 27.50 રૂપિયા કપાઈ ગયા છે.
આ પછી તરત જ તે બેંકમાં જાય છે અને ફરિયાદ કરે છે. શરૂઆતમાં બેંકના અધિકારીઓ તેની વાત પર વધુ ધ્યાન આપતા નથી અને તેને ટાળવાનો પ્રયાસ કરે છે, પરંતુ પછી જ્યારે ઘણો હંગામો થાય છે, ત્યારે તેઓ તેના પૈસા પરત કરે છે અને તેને એક મોંઘી ભેટ પણ આપે છે. આ બાબતને ગંભીરતાથી લીધા પછી, તેને બેંકના કૌભાંડ વિશે ખબર પડે છે, જેમાં તેઓ લાખો ગ્રાહકોના ખાતામાંથી નાની રકમ વસૂલ કરે છે. જ્યારે રાધેમોહનને સમગ્ર કૌંભાડની જાણ થાય છે ત્યારે તે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે આખું તંત્ર તેની વિરુદ્ધ થઈ જાય છે અને દરેક શક્ય રીતે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.
હવે આગળની કહાની જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ નેગેટિવ ભૂમિકામાં છે. આ ઉપરાંત રશ્મિ દેસાઇ અને કીર્તિ કુલ્હારી પણ છે. ફિલ્મનું દિગ્દર્શન અશ્વિન ધીરે કર્યું છે અને તેમણે રિતેશ શાસ્ત્રી સાથે મળીને કહાની લખી છે.
