ભારતની 12 અબજ ડોલરની વૈશ્વિક ટેકનોલોજી કંપની એચસીએલના સ્થાપક શિવ નાદરે ગીફ્ટ ડીડ મારફત પોતાની પુત્રી રોશની નાદાર મલ્હોત્રાને કંપનીનો 47 ટકા હિસ્સો ટ્રાન્સફર કર્યો હતો. તેનાથી રોશની નાદર ભારતની સૌથી ધનિક મહિલા બન્યાં હતા. આ મામલામાં તેમણે સાવિત્રી જિંદલને પાછળ મૂક્યા હતાં. સાવિત્રી જિંદલની પાસે રૂ.2.63 લાખ કરોડની સંપત્તિ છે. જિંદલ ભારતની પાંચમા ક્રમની સૌથી અમીર હસ્તી છે.
બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઈન્ડેક્સ અનુસાર રૂ.3.13 લાખ કરોડની નેટવર્થ સાથે રોશની નાદર હવે ત્રીજા ક્રમની ભારતની સૌથી ધનિક વ્યક્તિ બન્યાં હતાં. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની પાસે છે.
રોશનીથી પહેલા તેમના પિતા શિવ નાદર ભારતના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતાં. તેમના નેતૃત્વવાળી એચસીએલ ટેકનોલોજી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની છે. એચસીએલ કંપનીનુ માર્કેટ કેપ રૂ. 4.20 લાખ કરોડ છે. એમાં હવે અડધાથી વધુ ભાગીદારી શિવ નાદારની પુત્રી રોશની પાસે છે.
રોશની બ્રિટનની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ છે, અને કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. રોશનીએ બ્રિટેનમાં સ્કાય ન્યૂઝમાં પ્રોડ્યુસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો.
