પાકિસ્તાની આર્મીએ બુધવારે જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં બળવાખોર જૂથ દ્વારા બંધક બનાવેલા ટ્રેનના મુસાફરોને બચાવવા માટે 30 કલાક ચાલેલા ઓપરેશનનો અંત લાવ્યો છે. આ હુમલમાં 21 નાગરિકો અને ચાર સુરક્ષા સૈનિકો માર્યા ગયા હતાં. સુરક્ષા દળોએ આત્મઘાતી બોમ્બરો સહિત તમામ 33 બળવાખોરોને ઠાર પણ કર્યા હતાં. બલોચ બળવાખોરે આર્મીના 130 સૈનિકોને ઠાર કર્યા હોવાનો પણ દાવો કર્યો હતો.
સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાની સુરક્ષા દળોએ કાર્યવાહી પૂર્ણ કરવામાં સમય લીધો કારણ કે બળવાખોરો બંધકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં હતાં.સ્નાઈપર્સે આત્મઘાતી બોમ્બરોને મારી નાખ્યાં હતા અને પછી ટ્રેનના દરેક ડબ્બાને ક્લિયર કર્યા હતા.
પાકિસ્તાનથી બલુચિસ્તાનને આઝાદી કરવાની લડત ચલાવી રહેલા સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ મંગળવારે બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને આશરે 400 મુસાફરો સાથેની આખી ટ્રેનને હાઇજેક કરી હતી અને તેમાંથી 214ને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના 30 સૈનિકોની મારી નાંખ્યાનો અને એક ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. હુમલામાં ઘણા મુસાફરો ઘાયલ પણ થયા હતાં. બળવાખોરોએ બલોચના કેદીઓને 48 કલાકમાં છોડવાની માગણી કરી હતી. જો પાકિસ્તાની સૈન્ય કાર્યવાહી કરશે, તો તમામ બંધકોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
