પાકિસ્તાનથી બલુચિસ્તાનને આઝાદી કરવાની લડત ચલાવી રહેલા સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ મંગળવારે બલૂચિસ્તાનમાં એક ટ્રેન પર હુમલો કરીને આશરે 500 મુસાફરો સાથેની આખી ટ્રેનને હાઇજેક કરી હતી અને તેમાંથી 214ને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનના સુરક્ષા દળોએ વળતી કાર્યવાહી કરીને આશરે 104 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા અને ઓપરેશન ચાલુ હતું. બળવાખોરોએ કેટલાં મુસાફરોને બંધક બનાવ્યા છે તેની પોલીસે કોઇ માહિતી આપી ન હતી. પાકિસ્તાન સુરક્ષા દળોએ 16 બળવાખોરોને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો હતો.
બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના 30 સૈનિકોની મારી નાંખ્યાનો અને એક ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. હુમલામાં ઘણા મુસાફરો ઘાયલ પણ થયા હતાં. બળવાખોરોએ બલોચના કેદીઓને 48 કલાકમાં છોડવાની માગણી કરી હતી. જો પાકિસ્તાની સૈન્ય કાર્યવાહી કરશે, તો તમામ બંધકોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
જોકે મૃત્યુઆંક અને બંધકો અંગે પાકિસ્તાની અધિકારીઓ કોઈ પુષ્ટિ મળી ન હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવ ડબ્બામાં 500થી વધુ મુસાફરો સાથેની જાફર એક્સપ્રેસ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરાયો હતો.
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ છે અને મદદ માટે એક ઇમર્જન્સી રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે. ટનલ નંબર 8 માં સશસ્ત્ર માણસો દ્વારા ટ્રેનને રોકવામાં આવી હતી. રેલ્વે લાઇન પર આ વિસ્તારમાં 17 ટનલ છે અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે, ટ્રેનની ગતિ ઘણીવાર ધીમી હોય છે.બલુચિસ્તાન સરકારે સ્થાનિક અધિકારીઓને ઇમર્જન્સી પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
ટ્રેનમાં હાજર સુરક્ષા અધિકારીઓ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો અને પછી ઉગ્રવાદીઓછી એક સુરંગમાં ટ્રેનનો કબજો મેળવી લીધો હતો.
BLAએ જણાવ્યું હતું કે તેમણે ટ્રેનમાંથી ૧૮૨ લોકોને બંધક બનાવ્યા છે, જેમાં પાકિસ્તાની સૈન્યના સભ્યો અને રજા પર મુસાફરી કરી રહેલા અન્ય સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે.નાગરિક મુસાફરો, ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બલૂચ નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસીન નકવીએ આ હુમલાની નિંદા કરીને જણાવ્યું હતું કે સરકાર નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કરનારા જાનવરોને કોઈ છૂટ આપશે નહીં.
બીએલએએ તેના પ્રવક્તા જીયાંદ બલોચના હસ્તાક્ષર સાથેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાની દળો કાર્યવાહી શરૂ કરશે તો બંધકોને મારી નાખવામાં આવશે. BLA લડવૈયાઓએ રેલ્વે ટ્રેક ઉડાવી દીધો હતો અને ટ્રેનને રોકવાની ફરજ પાડી હતી અને તેમાં ચઢી ગયાં હતાં.
BLA પ્રવક્તાએ સોશિયલ મીડિયા પરના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈપણ લશ્કરી કાર્યવાહીનો જોરદાર જવાબ આપવામાં આવશે. અત્યાર સુધીમાં છ લશ્કરી કર્મચારીઓના મોત થયા છે અને સેંકડો મુસાફરો BLAની કસ્ટડીમાં છે. બલૂચ લિબરેશન આર્મી આ કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી લે છે. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મુશ્કાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
