ભારતની અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલે સ્ટારલિંન્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવા માટે ઇલોન મસ્કની સ્પેસએક્સ સાથે એક સમજૂતી કરી છે. સ્પેક્સએક્સની સ્ટારલિંક લાંબા સમયથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ભારતી એરટેલે મંગળવાર, 11 માર્ચે આ જાહેરાત કરી હતી.
ભારતમાં સેટેલાઇટ સર્વિસના સ્પેક્ટ્રમના મુદ્દે તાજેતરમાં મહિનાઓમાં અબજોપતિ મુકેશ અંબાણીની કંપની અને સ્ટારલિંન્ક વચ્ચે વિવાદ થયો હતો. ભારત સરકારે મસ્કનો પક્ષ લીધો હતો અને જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની ફાળવવામાં આવશે અને હરાજી કરવામાં આવશે નહીં. પરંતુ સ્ટારલિંકની લાઇસન્સ અરજી હજુ પણ સમીક્ષા હેઠળ છે.
એરટેલે જણાવ્યું હતું કે આ સોદો સ્પેસએક્સને ભારતમાં સ્ટારલિંક સર્વિસ વેચવા માટે લાઇસન્સ મળે તેના આધીન છે. ભારતીય ટેલિકોમ કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્પેસએક્સ અને એરટેલ બિઝનેસ ગ્રાહકોને સ્ટારલિંક સાધનો અને સેવાઓ ઓફ કરવા માટે સહયોગ કરશે. તે શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં કનેક્શન પણ ઓફર કરશે.
સ્પેસએક્સ ભારતમાં એરટેલના ગ્રાઉન્ડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષમતાઓનો ઉપયોગ કરશે તેવી શક્યતા છે. વોશિંગ્ટનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇલોન મસ્ક વચ્ચે મુલાકાતના થોડા અઠવાડિયા પછી આ જાહેરાત થઈ છે.
